વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા, રટોટી અને સણધરા ગામની સીમમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર બણભા ડુંગર આદિવાસી સમાજની આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં બણભા દાદાનું પવિત્ર સ્થાનક આવેલું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાતે આવે છે. જોકે, તાજેતરમાં આ સ્થળ પર યુવક-યુવતીની અશોભનીય હરકતો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બણભા ડુંગર માત્ર કુદરતી સૌંદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ નથી, પરંતુ આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા અને પરંપરાઓ સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. સમાજના લોકો અહીં બણભા દાદાની પૂજા-અર્ચના કરી અનાજ અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આવી જગ્યાએ અશોભનીય હરકતોનો વીડિયો સામે આવતાં લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આદિવાસી આગેવાન પ્રકાશ ગામીત સહિત સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે બણભા ડુંગર પર કુદરતી સૌંદર્ય માણવા અને બણભા દાદાનાં દર્શન કરવા આવતા પ્રવાસીઓનું સ્વાગત છે. જોકે, પ્રવાસનના નામે પવિત્ર સ્થળની મર્યાદા ભંગ થાય તેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. દરેક મુલાકાતીએ સ્થાનિક પરંપરા, ધાર્મિક આસ્થા અને સામાજિક લાગણીઓનું સન્માન કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે.
આ સમગ્ર મામલે બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટ મંડળ દ્વારા પણ કડક ચેતવણી આપવામાં આવી છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે બણભા ડુંગર આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને દેવસ્થાન છે. અહીં આવતા પ્રવાસીઓએ સ્થળની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાની સાથે કોઈપણ પ્રકારની અશોભનીય કે અભદ્ર હરકતો કરવી નહીં.
ટ્રસ્ટ દ્વારા વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પવિત્ર સ્થળની મર્યાદાનો ભંગ કરતી પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પગલાં લેવામાં આવશે.
સ્થાનિક ગ્રામજનો અને ટ્રસ્ટે પ્રવાસીઓને બણભા ડુંગરની ધાર્મિક ગરિમા જાળવવા અપીલ કરી છે. આ ઘટનાને પગલે હવે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની પવિત્રતા અને વ્યવસ્થા જાળવવા કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
