ભરૂચ :
ભરૂચ શહેર કોંગ્રેસમાં મહિલા હોદ્દેદારો સાથે કથિત અસભ્ય વર્તનના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જે. તડવીએ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજીરૂપે ફરિયાદ કરી છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને લેખિત રજૂઆત કરીને સલીમ અમદાવાદીને જાહેરમાં માફી માંગવા અને શહેર પ્રમુખના હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
જ્યોતિબેન તડવીએ અરજીમાં આક્ષેપ કર્યો છે કે, એઆઈસીસીના પ્રભારી ચારુલતા ટોકસની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ બાદ મહિલા હોદ્દેદારો અને ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ ફોટોગ્રાફી કરાવી રહી હતી, ત્યારે સલીમ અમદાવાદીએ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી મહિલા કાર્યકરોને ઠેસ પહોંચી હોવાનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
મહિલા કોંગ્રેસે સલીમ અમદાવાદી જાહેરમાં માફી માંગે અને તેમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. જો પક્ષ દ્વારા શિસ્તભંગનાં પગલાં નહીં લેવાય તો મહિલા કોંગ્રેસની હોદ્દેદાર બહેનો સામૂહિક રાજીનામાં આપશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
આ મામલે સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, ચારુલતા ટોકસની મુલાકાત બાદ બેઠક પૂર્ણ થતાં મહિલા કોંગ્રેસની ફોટોગ્રાફી થઈ હતી. ત્યારબાદ નગરપાલિકાની મહિલા સભ્યોના ફોટા પાડવા દેવાની વાતને લઈને જ્યોતિબેન સાથે બે-ત્રણ મિનિટ સામાન્ય રકઝક થઈ હતી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં પોલીસમાં ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાની જાણ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
હવે આ મામલે પોલીસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
