ભરૂચ:
ભરૂચ LCB પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. દહેગામ ટોલનાકા નજીકથી વડોદરા તરફ જતી સફેદ સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જ્યારે કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 966 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,01,086નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ LCBના અ.હે.કો. તગ્દિરસિંહ બળવંતસિંહ સહિતની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી સફેદ સ્વિફ્ટ કાર નં. MH-12-MB-4804માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી વડોદરા લઈ જવામાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી દહેગામ ટોલનાકા નજીક દહેજ તરફ ઉતરવાના એક્ઝિટ પોઈન્ટ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે હાઈવે પર ટ્રાફિક રોકી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કારની આગળની સીટ પર બેઠેલો એક શખ્સ નાસી છૂટ્યો હતો. જ્યારે ચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. અંતે ચાલકે કાર ઊભી રાખતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ ગોવિંદ દિનેશકુમાર થોરી (બિશ્નોઈ), ઉ.વ. 20, રહે. ગુલ્લે કી બેડી, તા. શેડવા, જી. બાડમેર (રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડિકીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગણતરી કરતાં રોયલ સ્ટેગ ક્લાસિકની 180 MLની 480 બોટલ, 750 MLની 36 બોટલ, રોયલ સ્ટેગ ડબલ ડાર્કની 108 બોટલ, રોયલ સ્ટેગ ક્લાસિકની છૂટી 264 બોટલ અને રોયલ ચેલેન્જની 78 બોટલ મળી કુલ 966 બોટલ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂ. 2,98,086 થાય છે.
આ ઉપરાંત રૂ. 3 લાખની સ્વિફ્ટ કાર અને રૂ. 3 હજારનો વિવો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,01,086નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા ગોવિંદ થોરીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આશરે આઠ મહિના અગાઉ હૈદરાબાદમાં કામ દરમિયાન તેની વિઠ્ઠલ બિશ્નોઈ નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી. થોડા દિવસ પહેલાં વિઠ્ઠલ બિશ્નોઈએ વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ કરી તેને ડ્રાઇવિંગના કામ માટે સુરત બોલાવ્યો હતો. ત્યારબાદ પાંચેક દિવસ અલગ-અલગ હોટલોમાં રોક્યા બાદ ચીખલી નજીક એક્સપ્રેસ હાઈવે પરથી આ કાર લઈને વડોદરા જવાનું જણાવ્યું હતું.
પકડાયેલા આરોપીના જણાવ્યા મુજબ, કારમાં દારૂ કોણે ભરાવ્યો હતો અને વડોદરા કોને પહોંચાડવાનો હતો તેની જાણકારી વિઠ્ઠલ બિશ્નોઈને હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન વિઠ્ઠલ નાસી છૂટ્યો હોવાનું અને તેણે ફોનના કોલ લોગ પણ ડિલીટ કરી દીધા હોવાનું તેણે જણાવ્યું હતું.
આ મામલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર વિઠ્ઠલ બિશ્નોઈને ઝડપી પાડવા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
