અંકલેશ્વર:
અંકલેશ્વર તાલુકામાં વ્યાજખોરી અને નાણાકીય વિશ્વાસઘાતનો એક કિસ્સો સામે આવ્યો છે. ધંતુરીયા ગામના એક પશુપાલકે મહેશભાઈ મારફતિયા નામના વ્યક્તિ સામે આશરે 65 તોલા સોનાના દાગીના પરત નહીં આપવા, પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવા અને અગાઉ ચૂકવેલી રકમ ઉપરાંત રૂ. 38 લાખની માંગણી કરવાનો આક્ષેપ કરી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પંકજભાઈ પરભુભાઈ આહીર (ઉ.વ. 41), રહે. આહીર ફળિયું, ધંતુરીયા, વ્યવસાયે પશુપાલન કરે છે. ફરિયાદ મુજબ, વર્ષ 2018માં નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે મહેશભાઈ મારફતિયા પાસેથી રૂ. 5 લાખ ત્રણ ટકા માસિક વ્યાજે લીધા હતા. આ વ્યવહારની સિક્યુરિટી પેટે સાજોદની રામ રેસિડેન્સી ખાતે આવેલા પ્લોટ નં. બીબી-18નો અસલ દસ્તાવેજ અને આશરે 41 તોલા સોનાનાં ઘરેણાં આપ્યાં હતાં. આ લોન પેટે દર મહિને રૂ. 17,500 ચૂકવવાનું નક્કી થયું હતું.
ત્યારબાદ વર્ષ 2019માં આંધ્રા બેંકમાં ગીરવે મૂકેલા આશરે 24 તોલા સોનાના દાગીના છોડાવવા માટે મહેશભાઈએ રૂ. 3 લાખની લોનની રકમ ચૂકવી દાગીના પોતાની પાસે રાખી લીધા હતા. આ વ્યવહાર પેટે પણ દર મહિને રૂ. 11,500નો હપ્તો નક્કી થયો હતો. આમ બંને વ્યવહારના કુલ રૂ. 29 હજાર માસિક હપ્તા મુજબ ફરિયાદીએ આશરે ત્રણ વર્ષમાં વ્યાજ સહિત અંદાજે રૂ. 10 લાખ ચૂકવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં મહેશભાઈની પત્ની હીનાબેનના નામે આશરે રૂ. 3 લાખ ચેક મારફતે ચૂકવાયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન વર્ષ 2021માં અકસ્માત થતાં ફરિયાદીની આર્થિક સ્થિતિ કથળી હતી અને તેઓ એક વર્ષ સુધી હપ્તા ભરી શક્યા ન હતા. આ સમયે મહેશભાઈએ પ્લોટનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરી આપવા અને તેના બદલામાં સોનું પરત આપવાની વાત કરી હતી. ફરિયાદીએ વિશ્વાસ રાખીને રૂ. 10 લાખની કિંમતનો પ્લોટનો વેચાણ દસ્તાવેજ તેમના નામે કરી આપ્યો હતો. જોકે, દસ્તાવેજ થયા બાદ પણ આશરે 65 તોલા સોનું પરત નહીં આપ્યું હોવાનો તેમજ પ્લોટના વેચાણ પેટે રૂ. 10 લાખ પણ ચૂકવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો છે.
ફરિયાદીનો વધુમાં આક્ષેપ છે કે, અગાઉ રૂ. 8 લાખ લીધા અને વ્યાજ સહિત આશરે રૂ. 10 લાખ ચૂકવી દીધા હોવા છતાં મહેશભાઈ હવે 10 ટકાથી વધુ વ્યાજ સહિત કુલ રૂ. 38 લાખની માંગણી કરી રહ્યા છે. આ રકમ ચૂકવ્યા બાદ જ સોનું પરત આપવાની વાત કરવામાં આવે છે. સોનું અને નાણાં પરત માંગવા જતાં ગાળાગાળી અને ઝઘડો કરવામાં આવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદીએ આક્ષેપના સમર્થનમાં મોબાઇલમાં રેકોર્ડ કરેલી વાતચીતની નકલ પેનડ્રાઇવમાં પોલીસ સમક્ષ રજૂ કરી છે. તેમજ મહેશભાઈ પાસે નાણાં ધીરધારનું કાયદેસર લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યાનો દાવો પણ કર્યો છે. હવે આશરે 65 તોલા સોનું, પ્લોટના દસ્તાવેજ અને રૂ. 38 લાખની માંગણીના આક્ષેપો મામલે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર છે. ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
