Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એકતાનગર જતાં અટકાવવાનો પ્રયાસ થતો હોવાનો કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાનો આક્ષેપ : રહેણાક બહાર પોલીસ તૈનાત કરી ખાનગી વાહનથી પીછો કરાતો હોવાનો દાવો, DGP સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી

Share

 

ભરૂચ:

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો રજૂ કરવા જવાના કાર્યક્રમને લઈને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના રહેણાકની બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવા, ખાનગી વાહનમાં તેમનો પીછો કરવા તેમજ 31 ઓક્ટોબરના રોજ એકતાનગર જવાની મનાઈ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી તેમણે પોલીસ મહાનિર્દેશક (DGP), જિલ્લા પોલીસ અધિક્ષક અને ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

સંદીપ માંગરોલાએ 30 ઓક્ટોબર, 2026ના રોજ પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે 27 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનને 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે મુલાકાત માટે સમય ફાળવવા લેખિત રજૂઆત કરી હતી. આ મુલાકાતનો હેતુ નર્મદા જિલ્લાના આદિવાસી પરિવારોના વન અધિકાર અધિનિયમ-2006 હેઠળના પડતર દાવાઓ તેમજ સરદાર સરોવર ડેમ માટે સંપાદિત જમીન સંબંધિત પ્રશ્નો રજૂ કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ અંગે GIDC પોલીસ સ્ટેશનના PI વસાવાને પણ સ્પષ્ટ જાણ કરી હતી કે વડાપ્રધાન સાથે મુલાકાતનો સમય મળશે તો જ તેઓ એકતાનગર જશે. તેમ છતાં 30 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી તેમના નિવાસસ્થાનની બહાર D-સ્ટાફના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાની ખાનગી કાર લઈને જ્યાં જાય ત્યાં પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં તેમનો પીછો કરે છે. D-સ્ટાફનો એક પોલીસ કર્મચારી તેમની વ્યક્તિગત કારમાં આવીને બેસી જાય છે અને 31 ઓક્ટોબરના રોજ એકતાનગર જઈ શકશે નહીં તેવી મૌખિક સૂચના પણ આપવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિને પગલે સંદીપ માંગરોલાએ બંધારણની કલમ 19(1)(d) અને 21 હેઠળ મળેલા અવરજવર તથા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો છે. પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા અવરજવર પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો તેનો કાયદાકીય આધાર અને સક્ષમ અધિકારીના લેખિત આદેશની નકલ આપવાની માંગ કરી છે.

તેમણે રહેણાક બહાર પોલીસ તૈનાત કરવાના આદેશ, ખાનગી વાહનથી પીછો કરવા તથા કારમાં પોલીસ કર્મચારીને બેસાડવા પાછળ જવાબદાર અધિકારીઓની તપાસ કરવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત BNSS કલમ 163 અથવા અન્ય કાયદા હેઠળ કોઈ પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવ્યો હોય તો તેની પ્રમાણિત નકલ આપવા અને કાયદેસર પ્રતિબંધ ન હોય તો પોલીસની દખલગીરી બંધ કરવાની રજૂઆત કરી છે.

સંદીપ માંગરોલાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે અને લોકશાહી ઢબે ખેડૂતો તથા આદિવાસી પરિવારોના પ્રશ્નો રજૂ કરવા માંગે છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં બંધારણની કલમ 226 હેઠળ કાયદાકીય રાહત મેળવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.


Share

Related posts

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના રેડ કાર્પેટ એવોર્ડ સમારોહમાં આકર્ષક દેખાવમાં જોવા મળી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં ભાજપના વરિષ્ઠ 200 થી વધુ કાર્યકરોનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!