ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદિડા ગામની નવીનગરીમાં મોબાઇલમાં ફ્રી ફાયર ગેમનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકવા જેવી બાબતે થયેલી બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં 16 વર્ષીય કિશોરને ચાર શખ્સોએ માર મારતાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, નાંદિડા ગામની નવીનગરીમાં રહેતા રાજુભાઈ રણછોડભાઈ રાઠોડનો 16 વર્ષીય પુત્ર રોહિત આંકોટ ગામની આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ગત 5 નવેમ્બરની બપોરે રોહિત તેના મિત્રો વિષ્ણુ, સાગર, અજય અને દીપક સાથે મોબાઇલમાં ફ્રી ફાયર ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન ગાળો બોલવા બાબતે વિષ્ણુએ રોહિત સાથે બોલાચાલી કરી હતી અને રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી.
ત્યારબાદ રોહિતે ગેમનો શોર્ટ વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકી હતી. રાત્રે આશરે 9:30 વાગ્યે રોહિત ગામના તળાવની પાળ પાસે બેઠો હતો ત્યારે વિષ્ણુ રાજુભાઈ રાઠોડ, સાગર અરવિંદભાઈ રાઠોડ અને અજય ગોકુળભાઈ રાઠોડ ત્યાં પહોંચ્યા હતા. તેમણે સ્ટોરી મૂકવા બાબતે ઉશ્કેરાઈ રોહિતને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન વિષ્ણુએ રોહિતના નાક પર ઢીક મારતાં ઇજા થઈ હતી. રોહિતના પિતા રાજુભાઈ અને માતા તેને છોડાવવા દોડી આવતાં તેમની સાથે પણ ઝપાઝપી અને ગાળાગાળી કરવામાં આવી હતી. આ સમયે દીપક અર્જુનભાઈ રાઠોડે પણ ઝઘડામાં જોડાઈ રોહિતને માર માર્યો હતો. ચારેય શખ્સોએ ફરીથી સ્ટોરી મૂકશે તો જીવતો નહીં છોડવાની ધમકી આપી હતી.
ત્યારબાદ પિતા રાજુભાઈ પુત્ર રોહિતને મોટરસાઇકલ પર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આ મામલે રાજુભાઈ રાઠોડે વિષ્ણુ, સાગર, અજય અને દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
