ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ અને સાચણ ગામ વચ્ચે મુખ્ય માર્ગ પર JCB અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર 44 વર્ષીય સરફરાજ ઉમરજી પટેલને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ JCB ચાલક મશીન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓચ્છણ ગામના વાંટા ફળિયામાં રહેતા સરફરાજ ઉમરજી પટેલ દહેજ સ્થિત પીડીલાઇટ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતા હતા. તેઓ પોતાની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ નંબર GJ-16-BJ-7096 લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પહાજ અને સાચણ ગામ વચ્ચે ખેતરના રસ્તેથી એક પીળા રંગનું JCB મુખ્ય માર્ગ પર આવ્યું હતું.
આ સમયે JCB ચાલકે ગફલતભરી રીતે મશીન મુખ્ય માર્ગ પર લાવતાં તેની આગળની બકેટ સરફરાજની મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સરફરાજને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વાગરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં મૃતકના મામા મુનાફ મહમદ પટેલ સહિત પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માત સ્થળે JCB નંબર GJ-22-X-0931 મળી આવ્યું હતું, જ્યારે તેનો ચાલક ત્યાંથી ફરાર હતો.
આ મામલે મૃતકના મામા મુનાફ પટેલે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે JCB ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
