ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આવેલા યોગી એસ્ટેટમાં બહારના રાજ્યના શ્રમિકોની વિગતો પોલીસમાં નોંધાવ્યા વિના કામે રાખવાના મામલે ભવાની સ્વીટ્સના માલિક સામે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને જિલ્લા મેજિસ્ટ્રેટના તા. 30 જુલાઈ, 2026ના જાહેરનામાના અનુસંધાને પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ કંપનીઓ, ગોડાઉનો અને અન્ય ધંધાકીય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બહારના જિલ્લા અને રાજ્યોમાંથી આવતા શ્રમિકોની ઓળખ, ફોટા અને રહેઠાણની વિગતો નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત કરવામાં આવી છે.
આ દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રે 8:15 વાગ્યે જીતાલી ગામના યોગી એસ્ટેટ સ્થિત પ્લોટ નંબર 28માં આવેલી ભવાની સ્વીટ્સ કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુખારામ અમાનારામ દેસાઈ (ઉં.વ.45), મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી, ત્યાં હલવાઈ તરીકે કામ કરતા મળી આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં સુખારામે છેલ્લા 15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હોવાનું અને તેમની સાથે અન્ય 13 જેટલા કર્મચારીઓ પણ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. કંપનીના માલિક કરણસિંહ મોતીસિંહ રાજપુરોહિત (ઉં.વ.32), રહે. નંદનવન સોસાયટી, ભડકોદરા,ને ફોન કરી કર્મચારીઓના આઇડી પ્રૂફ, ફોટા, મૂળ સરનામાની વિગતો અને પોલીસમાં જમા કરાવેલા લેબર ફોર્મની નકલ માંગવામાં આવી હતી.
જોકે, માલિકે આજદિન સુધી કર્મચારીઓની આવી કોઈ નોંધણી કરાવી ન હોવાનું તેમજ શ્રમિકોના મૂળ વતનના પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ મેળવ્યાં ન હોવાનું સામે આવ્યું હતું.
આથી અ.હે.કો. મુકેશભાઈ મેરાભાઈએ ભવાની સ્વીટ્સના માલિક કરણસિંહ રાજપુરોહિત વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223(બી) હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
