Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં યુવા સંમેલન યોજાયું, ગણપતસિંહ વસાવાએ આદિવાસી યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યું : કલેક્ટર તેજસ પરમારે પોતાની જીવનસફર વર્ણવી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રેરિત કર્યા; મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ અને એકાગ્રતાને સફળતાની ચાવી ગણાવી

Share

 

વાંકલ :: ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ, યુવાનોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે માત્ર ૨૫ વર્ષની નાની વયે શહીદી વહોરનાર ભગવાન બિરસા મુંડાજીનું જીવન આદિવાસી યુવાનો માટે પ્રેરણારૂપ છે. યુવાનોએ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય માનસિકતા કેળવી આગળ વધવું જોઈએ. આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને વારસાને દેશભરમાં યોગ્ય સન્માન અપાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પોતાની જીવનસફર વર્ણવતા જણાવ્યું હતું કે, પાલનપુરના સામાન્ય પરિવારમાંથી આવીને કઠિન પરિશ્રમ અને અડગ મનોબળના આધારે ૨૬ વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી તેઓ ગુજરાત કેડરમાં સેવા આપી રહ્યા છે. તેમણે યુવાનોને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તેમજ એકાગ્રતા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અપીલ કરી હતી. માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ યુવાનો આઈએએસ અને આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકે છે તેમ જણાવી વહીવટી તંત્ર તરફથી જરૂરી માર્ગદર્શન અને સહકારની ખાતરી આપી હતી.

ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવાએ ભગવાન બિરસા મુંડાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટેના સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે યુવાનોને અંધશ્રદ્ધા ત્યજી શિક્ષણ અને પરિશ્રમના માર્ગે આગળ વધવા તેમજ પોતાની સંસ્કૃતિનું જતન કરવા આહવાન કર્યું હતું.

સંમેલનમાં રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર તેમજ તાજેતરમાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિકાસ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિવ્યેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો, સામાજિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

પંચમહાલ : જળ સંચય અભિયાન હેઠળ જળ સંગ્રહના ૧૩૮૨ કામો પૈકી ૭૫૪ કામો પૂર્ણ : ૬૪૮ કામો પ્રગતિમાં

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

ProudOfGujarat

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!