વાંકલ :
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ચોકડી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભગવાન બિરસા મુંડા અને માનગઢના ગોવિંદ ગુરુ સહિતના આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માત્ર 25 વર્ષના જીવનમાં ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીનના અધિકારો માટે અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો. તેમની શૌર્યગાથા માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ જીવનમાં ઉતારી વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રૂ.11,654 કરોડના ખર્ચે વિવિધ ઉદ્વહન સિંચાઈ યોજનાઓ સાકાર કરવામાં આવી છે.
ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઉમરપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.51 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉપરાંત જંગલની જમીન ખેડતા 18 હજારથી વધુ આદિવાસીઓને આગામી સમયમાં વન અધિકાર પત્રો આપવાની કામગીરી હાથ ધરાશે.
કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક રજૂઆતો, રેલી, સરકારી યોજનાઓના લાભોનું વિતરણ તેમજ શિક્ષણ અને રમતગમતમાં સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
