ભરૂચ : ભરૂચ જિલ્લા કોર્ટમાં સરકારી વકીલોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટરની એક અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની નવ મળી કુલ 10 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ પોતાની અરજી સ્પીડ પોસ્ટ મારફતે 23 નવેમ્બર, 2026 સુધીમાં મોકલી આપવાની રહેશે.
ગૃહ વિભાગના 17 જુલાઈ, 2026ના પરિપત્ર અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 18(4) તથા સરકારના પ્રોસિક્યુટિંગ અધિકારીઓની નિમણૂક અને સેવાની શરતોના નિયમો-2026 મુજબ આ જગ્યાઓ માટે પેનલ તૈયાર કરવામાં આવશે.
જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર પદ માટે ઉમેદવાર એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોવા જોઈએ. તેમની ઉંમર 35થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ઉપરાંત, નિમણૂક પહેલાંના ઓછામાં ઓછા પાંચ વર્ષથી આવકવેરા ભરતા હોવા જોઈએ.
જ્યારે નવ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યાઓ માટે પણ એડવોકેટ તરીકે સાત વર્ષનો અનુભવ જરૂરી છે. આ પદ માટે ઉમેદવારની ઉંમર 30થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને નિમણૂક પહેલાંના ઓછામાં ઓછા ત્રણ વર્ષથી આવકવેરા કરદાતા હોવા જરૂરી છે. બંને પદ પર નિમણૂક પામેલા ઉમેદવારો મહત્તમ 60 વર્ષની ઉંમર સુધી ફરજ બજાવી શકશે.
અરજી ફોર્મ ભરૂચ જિલ્લા કચેરીની વેબસાઇટ bharuch.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમાં જન્મતારીખ, અનુભવ અને શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર માટે છેલ્લા પાંચ વર્ષનાં તથા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર માટે છેલ્લા ત્રણ વર્ષનાં આવકવેરા રિટર્ન જોડવાનાં રહેશે.
અરજી સ્પીડ પોસ્ટથી જ મોકલવાની રહેશે. અધૂરી વિગતોવાળી તેમજ 23 નવેમ્બર બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. આ અંગેની વિગતો જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાઈ છે.
