ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલી અભિષેક કોલોનીમાં ગાંજાના છોડ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. પોલીસને મળેલી ટેલિફોનિક જાણના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ગાંજાના ત્રણ લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે 296 ગ્રામ વજનના આ છોડ, જેની કિંમત રૂ.14,800 થાય છે, કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.18 નવેમ્બર 2026ના રોજ ભરૂચ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તરંગભાઈ નામના વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે, શ્રવણ ચોકડી નજીક આવેલી અભિષેક કોલોનીમાં ફેડરલ બેંક પાસે ગાંજાના છોડ મળી આવ્યા છે. આ જાણના આધારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓ.એસ. પાટીલ સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ મોકલી પંચો, ફોટોગ્રાફર અને વજનકાંટાવાળાને સાથે રાખી સ્થળ પર જવા રવાના થઈ હતી. સ્થળ પર તપાસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ત્રણ લીલા છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ત્રણેય છોડનું વજન કરાવતાં કુલ 296 ગ્રામ થયું હતું, જેની અંદાજિત કિંમત રૂ.14,800 આંકવામાં આવી હતી. આ મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(A) અને 20(B)(ii)(A) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
