અંકલેશ્વર :
અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા ફૂલ માર્કેટમાં ફૂલ ખરીદવા ગયેલા વેપારીનો રૂ.80 હજારની કિંમતનો મોંઘો મોબાઇલ ફોન ખિસ્સામાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. ભીડનો લાભ લઈ અજાણ્યો તસ્કર મોબાઇલ સેરવી ફરાર થઈ જતાં વેપારીએ ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર મારફતે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના અંડાડા ખાતે આવેલી વર્ધનમ રેસિડેન્સીમાં રહેતા સત્યેન્દ્ર સુખલાલ પ્રસાદ (ઉં.વ.42) સાંઈ દર્શન રેસિડેન્સીમાં દુકાન નંબર-10 ધરાવી બારી-બારણાંના કારપેન્ટર તરીકે વેપાર કરે છે. તેમની પાસે સેમસંગ ગેલેક્સી S26 5G કંપનીનો મોબાઇલ હતો, જે તેમણે ગત 9 ઓગસ્ટ, 2026ના રોજ રૂ.80 હજારની કિંમતમાં ખરીદ્યો હતો.
ગત 10 નવેમ્બરના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે તેઓ ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા ફૂલ માર્કેટમાં ફૂલ ખરીદવા પહોંચ્યા હતા. રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં તેઓ ફૂલ ખરીદી રહ્યા હતા ત્યારે ભારે ભીડ હતી. આ દરમિયાન તેમણે પોતાનો મોબાઇલ પેન્ટના આગળના ખિસ્સામાં મૂક્યો હતો. ફૂલ ખરીદીને ઘરે જવા નીકળ્યા ત્યારે ખિસ્સામાં મોબાઇલ ન હોવાનું જણાયું હતું.
આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મોબાઇલ મળ્યો નહોતો. જેથી અજાણ્યો તસ્કર ભીડનો લાભ લઈ ખિસ્સામાંથી મોબાઇલ ચોરી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. વેપારીએ 10 નવેમ્બરના રોજ CEIR પોર્ટલ પર જાણ કરી હતી, પરંતુ મોબાઇલ ન મળતાં આખરે 16 નવેમ્બરના રોજ ઈ-એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે રૂ.80 હજારના મોબાઇલની ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
