Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જનજાતીય ગૌરવ પખવાડિયાની ઉજવણી વચ્ચે નેત્રંગ મામલતદાર કચેરીમાં અધિકારીઓનો અભાવ, 78 ગામના અરજદારો હેરાન : મુખ્ય મામલતદાર સહિત ચાર મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી : ઝઘડિયા મામલતદારનો વધારાનો ચાર્જ પણ હાલ રજાના કારણે અન્ય અધિકારી પાસે ન હોવાથી વહીવટ ખોરવાયો

Share

નેત્રંગ :

આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા નેત્રંગ તાલુકાની મામલતદાર કચેરીમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે વહીવટી કામગીરી ખોરવાઈ છે. મુખ્ય મામલતદાર સહિત ચાર મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાથી તાલુકાનાં 78 ગામોના અરજદારોને સરકારી કામકાજ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા વહીવટી સરળતા અને આદિવાસી વિસ્તારોના વિકાસના હેતુથી 15 ઓગસ્ટ, 2013ના રોજ નેત્રંગને અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2014માં લોકોના સરકારી કામો ઘરઆંગણે ઝડપથી થાય તે માટે મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હાલ આ કચેરી પૂરતા અધિકારીઓના અભાવે કથળી રહેલી વહીવટી વ્યવસ્થાનો ભોગ બની છે.

તાલુકાની મહત્વની મામલતદાર કચેરીમાં મુખ્ય મામલતદાર અને નાયબ મામલતદાર સહિત કુલ ચાર જવાબદાર હોદ્દાઓ ખાલી પડ્યા છે. અગાઉ મુખ્ય મામલતદારનો વધારાનો ચાર્જ ઝઘડિયા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. પરંતુ તેઓ પણ રજા પર હોવાથી હાલ કચેરીની વહીવટી કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

પ્રમાણપત્રોથી લઈને રેશનકાર્ડની કામગીરી ખોરવાઈ

કચેરીમાં અધિકારીઓના અભાવે જાતિ, આવક સહિતનાં વિવિધ પ્રમાણપત્રો, જમીન-મિલકતના દાખલા, રેકર્ડ સુધારણા, નવા રેશનકાર્ડ બનાવવા તેમજ નામ ઉમેરવા-કમી કરવાની કામગીરી માટે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, લોકકલ્યાણની વિવિધ સહાય યોજનાઓની અરજીઓ અને મંજૂરીની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ રહી છે. અંતરિયાળ ગામોમાંથી વાહનભાડું ખર્ચીને અને રોજગારી છોડીને આવતા ગરીબ આદિવાસી પરિવારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રેફરલ હોસ્પિટલમાં પણ વર્ગ-1ની જગ્યા ખાલી

નેત્રંગની મામલતદાર કચેરીની જેમ જ રેફરલ હોસ્પિટલમાં પણ ઉદ્ઘાટનના દિવસથી આજદિન સુધી મુખ્ય અધિક્ષક (વર્ગ-1)ની જગ્યા ખાલી હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આથી તાલુકામાં મહત્ત્વની સરકારી કચેરીઓમાં અધિકારીઓની અછત સામે તંત્રની કામગીરી અંગે સવાલો ઊઠી રહ્યા છે.

કાયમી નિમણૂક નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટેશનની માંગ

એક તરફ સરકાર આદિવાસી સમાજના ગૌરવ અને કલ્યાણની વાતો કરી રહી છે, ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાની મુખ્ય કચેરીમાં જ અધિકારીઓની અછત ચિંતાજનક બની છે. સ્થાનિક આગેવાનો અને અરજદારોએ નેત્રંગ મામલતદાર કચેરીમાં તાત્કાલિક કાયમી મામલતદાર અને નાયબ મામલતદારોની નિમણૂક કરવાની માંગ કરી છે. કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી આસપાસના તાલુકાના સક્ષમ અધિકારીઓને ચોક્કસ દિવસો માટે ડેપ્યુટેશન પર મૂકવામાં આવે તો પણ પ્રજાનાં અટકેલાં કામોનો નિકાલ થઈ શકે તેમ છે. હવે તંત્ર આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.


Share

Related posts

આજે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામ્યો હતો

ProudOfGujarat

મોબાઇલના વિક્રેતાને ડિફોલ્ટ ચેક આપી 11 લાખથી વધુની છેતરપિંડી કરનારને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!