ભરૂચ, તા. 20 નવેમ્બર
ભરૂચ શહેરમાં કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ફોરલેન માર્ગની બંને બાજુ રાહદારીઓની સુવિધા માટે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. જોકે, દબાણકારોના અડિંગા અને લારી-ગલ્લા સહિતનાં અનધિકૃત દબાણોને પગલે ફોરલેન માર્ગની સ્થિતિ ટુ-લેન જેવી બની ગઈ છે. બીજી તરફ, રાહદારીઓ માટે બનાવાયેલા ફૂટપાથ પર પણ દબાણોનું સામ્રાજ્ય છવાતાં લોકોને જીવના જોખમે મુખ્ય માર્ગ પર ચાલવાની ફરજ પડી રહી છે.
આ સમસ્યાને લઈને તાજેતરમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મેજર ટેપ લઈને રસ્તા અને ફૂટપાથની માપણી કરવા નીકળ્યા છે. તંત્રની આ કામગીરી આવકારદાયક છે, પરંતુ નાગરિકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે માપણી બાદ દબાણો ક્યારે દૂર થશે? અગાઉ દૂર કરાયેલા દબાણો ફરી ઊભા થઈ જાય છે ત્યારે આ વખતે કાયમી ઉકેલ ક્યારે આવશે?
સુપ્રીમ કોર્ટના S. Rajaseekaran v. Union of India કેસમાં રાહદારીઓના સુરક્ષિત અને અવરોધમુક્ત ફૂટપાથના અધિકાર અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા છે. ફૂટપાથ દિવ્યાંગો સહિત તમામ રાહદારીઓ માટે સુલભ હોવા જોઈએ અને તેના પરનાં દબાણો દૂર કરવાની જવાબદારી તંત્રની છે. આમ, ભરૂચમાં ચાલી રહેલી કાર્યવાહી માત્ર વહીવટી કામગીરી નહીં, પરંતુ રાહદારીઓના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી પણ છે.
ફૂટપાથ પર દુકાનદારોનો સામાન, લારી-ગલ્લા, બોર્ડ અને વાહનોનું પાર્કિંગ થઈ જતાં વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોને મુખ્ય રસ્તા પર ચાલવું પડે છે. પરિણામે અકસ્માતનું જોખમ વધવાની સાથે ટ્રાફિકજામ અને એમ્બ્યુલન્સની અવરજવરમાં પણ અડચણ ઊભી થાય છે.
જાગૃત નાગરિકોની માગ છે કે કસકથી ઝાડેશ્વર સુધીના સમગ્ર માર્ગનું સત્તાવાર માપણી પત્રક જાહેર કરવામાં આવે, ફૂટપાથ પર સીમાંકન અને સૂચના બોર્ડ લગાવવામાં આવે, વારંવાર દબાણ કરનાર સામે દંડ અને માલ જપ્તી સહિતની કાર્યવાહી થાય તથા દર 15 દિવસે સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવે. સાથે જ લારી-ગલ્લા ધારકો માટે કાયદેસર વેન્ડિંગ ઝોન ફાળવવામાં આવે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્રની મેજર ટેપથી થયેલી માપણી ખરેખર દબાણમુક્ત ભરૂચનો માર્ગ મોકળો કરશે કે પછી થોડા દિવસ બાદ ફરી એ જ દબાણો અને ટ્રાફિકની સમસ્યા યથાવત્ રહેશે?
