ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 8 ગૌશાળાના કુલ 542 પશુઓ સહાય મેળવવા માટે પાત્ર ઠર્યા છે. આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે અધિક કલેક્ટર આર.બી. ભોગાયતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન 2026 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ મારફતે સહાય મેળવવા માટે અરજી કરનાર ગૌશાળાઓની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની સમિતિ દ્વારા કરવામાં આવેલી ચકાસણીના આધારે ગૌશાળાઓ દ્વારા રજૂ કરાયેલી વિગતો અને પશુઓની સંખ્યાની ખરાઈ કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ચકાસણી બાદ ભરૂચ જિલ્લાની નીચે મુજબની 8 ગૌશાળાઓના 542 પશુઓ સહાય માટે પાત્ર જણાયા છે.
1. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા.
2. શ્રી સ્વામિનારાયણ ગૌશાળા ટ્રસ્ટ, નાહિયેર.
3. આનંદીમા ગુરુધ્યાન યોગીજી કલ્યાણ કેન્દ્ર, નિકોરા.
4. કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, ચાસવડ, થવા.
5. શ્રી હંસદેવ ગૌશાળા, જૂના બોરભાઠા બેટ.
6. શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર.
7. વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટ, પઠાર.
8. મહાવીર ગૌધન ધારા ટ્રસ્ટ, કાકડકુઈ, નેત્રંગ.
યોજનાના નિયમો અનુસાર પાત્ર ગૌશાળાઓને પશુઓની સંખ્યાના આધારે સહાય ચૂકવવા માટે જરૂરી વહીવટી અને હિસાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
