ભરૂચ: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદની મિલકતના માલિકી હક અને સિટી સર્વે રેકોર્ડમાં થયેલી નોંધને લઈને વિવાદ વકર્યો છે. સનાતની હિન્દુ સમાજ, જૈન સમાજ અને મહાનુભાવ પંથના અનુયાયીઓએ શક્તિનાથથી રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અરજદારોના દાવા મુજબ, આ મિલકત આશરે 2 હજાર વર્ષ જૂના હિન્દુ-જૈન મંદિર અને ચક્રધર સ્વામીના જન્મસ્થળ સાથે સંકળાયેલી છે.
આવેદનમાં જણાવ્યા મુજબ, વર્ષ 1941થી મિલકત ASIની માલિકી તરીકે સિટી સર્વે રેકોર્ડમાં નોંધાયેલી છે. જોકે, વર્ષ 1991ના મેજિસ્ટ્રેટના આદેશના આધારે પ્રોપર્ટી કાર્ડમાં ખાનગી ટ્રસ્ટના ત્રણ ટ્રસ્ટીઓનાં નામ દાખલ કરાયાં હતાં. આ નોંધની કાયદેસરતા સામે સવાલ ઉઠાવી નામો દૂર કરવાની માંગ કરાઈ છે.
અરજદારોએ મિલકતનો મ્યુનિસિપલ નંબર C-1606 અને ટ્રસ્ટના PTRમાં દર્શાવેલો નંબર C-1515 વચ્ચેની વિસંગતતાની તપાસની પણ માંગ કરી છે. ASIના વડોદરા વિભાગે 13 મે અને 25 નવેમ્બર 2025ના રોજ નામો દૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો હોવાનો પણ દાવો કરાયો છે.
ટ્રસ્ટનો જવાબ: બીજી તરફ જામા મસ્જિદ ટ્રસ્ટી અબ્દુલ કામઠીએ તમામ દસ્તાવેજો કાયદેસર હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, અગાઉ જિલ્લા કોર્ટના આદેશથી ટ્રસ્ટીઓની નિમણૂક થઈ હતી અને 1995માં વકફ બોર્ડની રચના બાદ વહીવટી જવાબદારી તેના હેઠળ આવી હતી. તેમણે કોમી એખલાસ જાળવવાની અપીલ પણ કરી હતી.
હવે બંને પક્ષોના દાવા અને દસ્તાવેજોની તપાસ બાદ વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
