ભરૂચ:
ભરૂચ નેશનલ હાઈવે પર માંચ પાટિયા નજીક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા કારચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક આગળ જઈ આઈસર ટેમ્પોની પાછળની બોડીમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર દાદાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે બાઈક પર સવાર 9 વર્ષની પૌત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ તાલુકાના બંબુસર ગામના પીપળી ફળિયામાં રહેતા ગુલામ અલી મુસા પટેલ પોતાની પૌત્રી સફા એઝાઝ પટેલ (ઉં.વ.9) સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાલેજથી નબીપુર તરફ જતા માર્ગ પર માંચ પાટિયા નજીક અજાણી કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક બેકાબૂ બની આગળ જઈ આઈસર ટેમ્પોની પાછળની બોડી સાથે અથડાઈ હતી.
અકસ્મામાં દાદા-પૌત્રી બંને રસ્તા પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ગુલામ અલી પટેલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પૌત્રીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અકસ્મત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઈ જતાં નબીપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
