ભરૂચ :
ભરૂચ જિલ્લામાં નશાના કારોબાર સામે SOGએ વધુ એક કાર્યવાહી કરી છે. અંકલેશ્વર તરફથી રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને ભરૂચ આવી રહેલા કેરિયરને નર્મદા મૈયા બ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 9.960 કિલો ગાંજો કિંમત રૂ.4.83 લાખ, રિક્ષા અને મોબાઇલ સહિત કુલ રૂ.5.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ નેટવર્કમાં સુરતના સપ્લાયર સહિત ભરૂચ અને વાગરાના ચાંચવેલના બે રિસિવરોની સંડોવણી સામે આવતાં ત્રણેયને વોન્ટેડ જાહેર કરાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ SOGને બાતમી મળી હતી કે અંકલેશ્વર તરફથી સદરૂદ્દીન દિવાન નામનો રિક્ષાચાલક માદક પદાર્થનો જથ્થો લઈને ભરૂચ તરફ આવી રહ્યો છે. જેના આધારે ટીમે નર્મદા મૈયા બ્રિજના ભરૂચ તરફના ઉતરતા સ્લોપ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની રિક્ષા આવતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
રિક્ષાચાલકની ઓળખ સદરૂદ્દીન અબ્દુલ્લા દિવાન (રહે. તાજ રેસિડેન્સી, જૂના કોસંબા, તરસાડી, માંગરોળ) તરીકે થઈ હતી. રિક્ષાની પાછળની સીટ પાછળ ખાખી સેલોટેપથી વીંટાળેલાં પાંચ પેકેટ મળી આવ્યાં હતાં. FSL ટીમે NDPS કિટથી તપાસ કરતાં તેમાં ગાંજો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. કુલ 9.960 કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સુરતના પ્રદીપકુમાર પાસેથી ગાંજો લાવી ભરૂચના રાજા ઝરીવાલા અને વાગરા તાલુકાના ચાંચવેલના બાદશાહને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી સદરૂદ્દીન સહિત ચારેય વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
