વાંકલ :
શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થોના રવાડે ન ચડે અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અટકાવી શકાય તે હેતુથી માંગરોળ પોલીસે વાંકલ ખાતે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.
માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. દેસાઈ અને પીએસઆઈ સાસલાની દોરવણી હેઠળ પોલીસ ટીમે વાંકલ ખાતે આવેલી કોલેજ અને હાઈસ્કૂલની આસપાસની દુકાનોમાં તપાસ કરી હતી. આ દરમિયાન પાન-મસાલાના ગલ્લા સહિત અંદાજે ૧૦ દુકાનો તેમજ ૨ મેડિકલ સ્ટોરમાં ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
પોલીસે ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થો, નશાકારક ચીજવસ્તુઓ તેમજ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓનું ગેરકાયદેસર વેચાણ થતું નથી ને તે અંગે તપાસ કરી હતી. સાથે જ દુકાનદારો અને મેડિકલ સ્ટોરના સંચાલકોને કાયદાકીય નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
યુવાધનના ભવિષ્યને સુરક્ષિત રાખવાના હેતુથી માંગરોળ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને વાલીઓ અને જાગૃત નાગરિકોએ આવકારી હતી.
