Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઠાસરાના સૈંયાત ગામે સાસુ-દિયરના ત્રાસથી દોઢ વર્ષના પુત્ર સાથે માતાએ જાત જલાવી, બંનેનાં મોત

Share

 

સૌજન્ય-નડિયાદ: ઠાસરા તાલુકાના સૈંયાત ગામે પરણિતાએ પોતાના દોઢ વર્ષના માસુમ પુત્ર સાથે અગનપિછોડી ઓઢી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ કરૂણાંતિકા પાછળ જવાબદાર સાસુ અને દિયર વિરૂધ્ધ હાલમાં ઠાસરા પોલીસ દ્વારા આપઘાત માટે દુષ્પ્રેરણ કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ઠાસરાના સૈંયાત ગામે રહેતા અશોકભાઇ ચાવડાના ઘરે વહેલી સવારે એકાએક આગ લાગતાં ઘરમાં રહેલા કૈલાસબેન અશોકભાઇ ચાવડા (ઉ.વ.30) અને તેમનો માસુમ પુત્ર નિતીન (દોઢ વર્ષ) આગની લપેટમાં સપડાઇ ગયા હતા. તેઓના બહાર આવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા, જોકે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી, આગને કાબુમાં લઇ, માતા-પુત્રને બહાર કાઢી, સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા.આ મામલે ઠાસરા પોલીસ દ્વારા મનુભાઇ બાંજાભાઇ ચાવડા (રહે.સૈયાંત) ની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

જોકે મોડી સાંજે કૈલાસબહેને જાતે જ સળગી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

વધુ તપાસ દરમિયાન કૈલાસબેનને અંતિમ પગલું ભરવા મજબુર કરનારા તેમના સાસુ કનુબહેન મનુભાઇ ચાવડા અને દિયર કિરણભાઇ મનુભાઇ ચાવડા વિરૂધ્ધ ઠાસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સ્થાનિકો મદદે દોડ્યા પણ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું

આગની ઘટનાને પગલે ગ્રામજનો બચાવ માટે દોડી ગયા હતા. ઘરના દરવાજા ખોલી ઘરમાં પ્રવેશી, માતા – પુત્રને બચાવવાના પ્રયાસો નિરર્થક રહ્યા હતા. ગ્રામજનો ઘરમાં પ્રવેશ્યા ત્યારે તો બંને ભડથું થઇ ગયા હતા. આગને કારણે પંખો પણ માતા-પુત્રની ઉપર પડ્યો હતો.

પતિ અમદાવાદ નોકરી કરે છે મૃતક કૈલાસબેનના પતિ અશોકભાઇ અમદાવાદ ખાતે નોકરી કરે છે. તેઓ નોકરી ઉપર હતા ત્યારે આ કરૂણાંતિકા બની હતી. આ ઘટનાની જાણ થતાં જ અશોકભાઇ દોડી આવ્યા હતા. અને પુત્ર અને પત્નીના નશ્વર દેહને જોઇને ભાંગી પડ્યા હતા.

સસરા બહાર સૂતા હતા, માતા-પુત્ર ઘરમાં હતાં
અશોકભાઇ અમદાવાદ નોકરીએ ગયા હતા ત્યારે તેમના પિતા બહાર ઓસરીમાં સૂતા હતા. પરિવારના અન્ય સભ્યો બાજુના મકાનમાં અને કૈલાસબેન માસુમ નિતીનને લઇને ઘરમાં અંદર સૂતાં હતા ત્યારે આ કરૂણાંતિકા બની હતી.

સાસુ અને દિયર સામે ગુનો દાખલ કરાયો છે
સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યાની કલમ હાલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલી રહી છે.- જે.એલ.ચૌહાણ, પોલીસ સબ ઇન્સપેક્ટર, ઠાસરા


Share

Related posts

માંગરોળના ચાર ગામોમાં રૂ. ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બતાવી ગુટકા તમાકુ લઈ જતાં કન્ટેનરને SOG પોલીસે માંડવા ટોલનાકા પાસે ઝડપી લીધું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!