Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : “સાત પગલા ખેડૂત કલ્યાણ” નાં કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અંતિમ ત્રણ યોજનાઓનો લોકાર્પણ સમારોહ યોજાયો.

Share

રાજ્યના ખેડૂત મિત્રોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે લોન્ચ કરેલી “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત છેલ્લી ત્રણ યોજનાઓનું આજે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યવ્યાપી ઈ-લોન્ચિંગ યોજાયું હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૦ સ્થળોએથી ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજનાઓના ઈ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા અને હાલોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા. ગોધરાના ખાતેથી વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ પટણી સહિતના મહાનુભાવોએ તેમજ હાલોલ ખાતે ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી અને કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ સહિતના મહાનુભાવો દ્વારા આ યોજનાઓનો શુભારંભ કરતા સહાયના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગોધરા ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી લક્ષ્મણભાઈ પટણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને વાવણીથી કાપણી સુધીની પ્રક્રિયાના દરેક તબક્કે સહાયરૂપ થઈ ખેતીને ખેડૂતો માટે મહત્તમ વળતરક્ષમ અને નફાકારક બનાવવા પ્રતિબદ્ધ છે. ખેડૂતોના વિકાસ વગર દેશનો વિકાસ અધૂરો હોવાની વાત સમજતી સંવેદનશીલ સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ તેમણે જણાવ્યું હતું. ફળ-શાકભાજી વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી મળતા વધુ ગરમી-ઠંડી કે વરસાદથી ઉત્પાદન બગડી જતા અટકશે. કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાયથી નીલગાય, ભૂંડ જેવા પ્રાણીઓ દ્વારા પાકનો નાશ થતો અટકશે અને વિક્રેતાઓ તેમજ ખેડૂતોને મળતા નફામાં વધારો થતા તેઓ આર્થિક રીતે વધુ સદ્ધર બનશે. ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટ સહાય હેઠળ મળનાર નાના સાધનો ખેતીની ઉત્પાદકતા વધારવામાં તેમજ ખેતીને સરળ બનાવવામાં મદદરૂપ બનશે તેમ ઉમેરતા આ સાત યોજનાઓ ખેતીક્ષેત્રે ક્રાંતિકારી સુધારા લાવનારી જણાવી હતી.

આ અગાઉ કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી એ.જે. શાહે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત શરૂ કરાયેલી યોજનાઓ ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બની શકે છે તેની માહિતી આપતા આજે લોન્ચ કરાયેલ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટેના ધારાધોરણો અને પ્રક્રિયા વિશેની સુક્ષ્મ માહિતી આપી હતી. તેમણે આ તમામ યોજનાઓની માહિતી જિલ્લાના દરેક ખૂણે દરેક ખેડૂત સુધી સરળ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવતા ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને આ યોજનાઓનો લાભ લેવા તેમજ અન્ય ખેડૂતોને પણ આ અંગે માહિતગાર કરવા આગ્રહ કર્યો હતો.
આ પ્રસંગે રાજયકક્ષાએથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને વિડીયોના માધ્યમથી સંબોધન કરતા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી અરવિંદભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ-અગ્રણીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલ, નાયબ બાગાયત નિયામકશ્રી હસમુખ પરમાર, તેમજ હાલોલ ખાતેના કાર્યક્રમમાં તાલુકા પંચાયત-નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી એ.કે. ગૌતમ, નાયબ નિયામક (હોર્ટિકલ્ચર) સહિતના અધિકારીગણ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચત કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરા એમજીવીસીએલ અને પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરીને 85 લાખથી વધુની વીજચોરી ઝડપી.

ProudOfGujarat

નેત્રંગ થવા ખાતે એકલવ્ય સાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

ટોક્યોથી પરત ફરેલી ઓલિમ્પિક ટીમનું ભવ્ય સ્વાગત : અશોકા હોટલ રવાના થયા ખેલાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!