અંકલેશ્વર તાલુકામાં દિવસેને દિવસે તસ્કરોના વધી રહેલા આતંકને કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ચોરીના વધી રહેલા બનાવોને પગલે રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના બાપુનગર વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગામમાં એક તરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો તો બીજી તરફ તસ્કરો તરખાટ મચાવી રહ્યા હતા. ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ પર હાથ સાફ કરી તસ્કરો 2 લાખથી વધુની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ચોરીને અંજામ આપીને ચોરો ફરાર થઈ ગયા છે. જોકે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રાત્રીના અંધકારનો લાભ લઈ મોટા ભાગના ગુનાઓ આચરવામાં આવે છે. ત્યારે હવે ભરૂચ જિલ્લા પોલીસ વહીવટી તંત્રના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારવું જરૂરી બન્યું છે.