Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ: આર્થિક, આરોગ્‍ય, આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, કાનૂની, યોજનાકીય જાણકારી આપાઇ.

Share

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અને પંચમહાલ જિલ્‍લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગોધરાના સરદાર નગરખંડ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ હતી. જેનું ઉદ્ઘાટન શિબિરના અધ્યક્ષ જિલ્‍લાની મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિના અધ્‍યક્ષા કીર્તિબેન પટેલે કર્યું હતું.

મહિલાઓનો તમામ ક્ષેત્રમાં વિકાસ થાય, તેમની ભાગીદારી વધે અને રાષ્‍ટ્રના વિકાસમાં યોગદાન વધે તે માટે રાજ્ય સરકારે યોજનાકીય, કાયદાકીય પીઠબળ સાથે અનેક તકો ઉપલબ્‍ધ બનાવી છે તેમ અધ્‍યક્ષસ્‍થાનેથી કીર્તિબેન પટેલે જણાવ્‍યું હતું. જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે શિબિરનો હાર્દ જણાવતા કહ્યું હતું કે, આર્થિક, આરોગ્‍ય, આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, કાનૂની, યોજનાકીય જેવા ક્ષેત્રોની જાણકારી જિલ્‍લાની મહિલાઓને ઉપલબ્‍ધ થાય તે માટે આ શિબિર યોજવામાં આવી છે. ગ્રામિણ ક્ષેત્રોની બહેનોને આ જાણકારી મળવાથી સર્વાંગી વિકાસને આગવો વેગ મળશે. તેમણે માતા મત્યુ અને બાળ મૃત્‍યુ અંગે ચિંતા વ્‍યક્ત કરતાં જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં એક અભિયાન ઉપાડી આ દિશામાં આગવા પ્રયત્‍નો જરૂરી છે અને તે માટે સૌને પોતાની સામાજિક અને નૈતિક ફરજ સમજી જોડાવા અપીલ કરી હતી. વિશ્‍વની દરેક સંસ્‍કૃતિની સભ્‍યતા કૃષિ આધારિત છે તેમ જણાવતા વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના ડો. કનકલતાએ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી ગામડાની બહેનોને ગોબર ગેસ અને કીચન ગાર્ડનના લાભો સમજાવ્‍યાં હતાં. તેમજ ગુટકા અને અન્‍ય વ્‍યસનોને તિલાંજલી આપી આર્થિક બચત અને આરોગ્‍યની કાળજી લેવા પર ભાર મૂક્યો હતો.

Advertisement

ગોધરા સિવિલ હોસ્‍પિટલના ગાયનેક ડો. ભક્તિબેન ગૌરે કિશોરીવસ્‍થાથી વૃધ્ધાવસ્‍થા સુધીની મહિલાઓના આરોગ્‍ય, માતૃત્‍વ ધારણ, સગર્ભા સમયની કાળજી અને મોનોપોઝ સુધીની સ્‍થિતિઓનું નિરૂપણ કરી શારીરિક સ્‍વાસ્‍થ્ય જાળવવા નિયમિત આરોગ્‍ય તપાસ કરાવવાની સમજ આપી હતી. જાણિતા એડવોકેડ વૈદેહીબેન દાણીએ મહિલાઓના કાયદાઓ, સરકારે કરેલી કાનૂની જોગવાઇઓ અને મફત કાનૂની સહાય કેન્‍દ્રની મદદ કઇ રીતે લઇ શકાય તેની માહિતી આપી હતી. આત્‍મ જાગૃતિ આવે ત્‍યારે સર્વ શક્તિઓની પ્રાપ્‍તિ થાય છે તેમ જણાવતા બ્રહ્માકુમારીઝ સંસ્‍થાના સુરેખાબેન દીદીએ નારી શક્તિની આધ્યાત્મિક અને સમાજના દરેક ક્ષેત્રમાં રહેલી મહત્તાને સમજાવી હતી.મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એસ.જી.જૈને સરકારની આરોગ્‍ય યોજનાઓની જાણકારી આપી લાભ લેવા માટેનસ સમજ આપી હતી. હીરલબેન પંડ્યાએ નારી અદાલત વિશે, મમતાબેને મહિલા હેલ્‍પ લાઇન ૧૮૧ અભયમ અને તેની કામગીરી વિશે તેમજ રીનાબેન તડવીએ મહિલાઓ નાના પાયે ઘર-કુટુંબની આર્થિક સ્‍થિતિને મજબૂત બનાવી શકે તે માટે સખી મંડળ, સ્‍વ સહાય જૂથ અને મિશન મંગલમ વિશેની જાણકારી આપી હતી. કાલોલના ધારાસભ્‍ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્‍લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી અશ્વિનભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્‍ય નિમિષાબેન સુથાર આરોગ્‍ય સમિતિના અધ્યક્ષા કૈલાશબેન પરમારે, આ પ્રસંગે પ્રાસંગિક વકતવ્‍યો આપ્‍યાં હતાં. મહિલા શિબિર અંતર્ગત ગોધરા સિવિલ હોસ્‍પિટલમાં મહિલાઓ માટે સર્વ રોગ નિદાન શિબિર પણ યોજવામાં આવી હતી.

શિબિરમાં, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, પૂર્વ પ્રમુખ રશ્મિકાબેન પટેલ, કેતુબેન દેસાઇ, શિક્ષણ સમિતિના અધ્‍યક્ષા જશોદાબેન બારીયા, જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી, સિવિલ સર્જન ડો. મોનાબેન પંડ્યા, સી.ડી.પી.ઓ. ડો. પી.કે.શ્રીવાસ્‍તવ આમંત્રિતો અને ખૂબ મોટી સંખ્‍યામાં જિલ્‍લામાંથી મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

રાજુ સોલંકી, ગોધરા.


Share

Related posts

માંગરોળ : ૫૩ જેટલી ગ્રામ પંચાયત ચૂંટણીનાં પરિણામ જાહેર થતા સરપંચ ઉમેદવાર સમર્થકો સાથે ઉમટી પડયા હતા.

ProudOfGujarat

ભરૂચ :જંબુસરના કાવી ગામ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં બોર્ડની ૨ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!