ભરૂચ :
શહેરના રહાડપોર રોડ વિસ્તારમાં નકલી પોલીસ બની ઉઘરાણી કરતી ચાર શખ્સોની હરકતના પગલે એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ઘટનાને લઇ હજી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીઓના પગેરા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પાસે રહેતા 45 વર્ષીય ઉર્વેશ મોદી ઝોમેટોમાં નોકરી કરતા હતા. તેમની પત્ની રહાડપોર નજીકની એક શાળામાં કાર્યરત છે. બુધવારે તેઓ પત્નીને લેવા શાળાએ ગયા હતા અને ત્યાંથી બંને પરત ફરી રહ્યા હતા ત્યારે રહાડપોર નજીક ચાર અજાણ્યા શખ્સોએ તેમની બાઈક રોકી હતી.
આ શખ્સોએ પોતે પોલીસ હોવાનો દાવો કરી બાઈક પર નંબર પ્લેટ ન હોવાનો મુદ્દો ઉઠાવી દમદાટી શરૂ કરી હતી. ત્યારબાદ રૂપિયાની માંગણી કરતાં ધમકીઓ આપી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઉર્વેશભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાની તેમજ પોતે હૃદયરોગના દર્દી હોવાનું સમજાવ્યું હતું. તેમણે પોતાની તબીબી ફાઈલ બતાવી હૃદય માત્ર 25 ટકા કાર્યરત હોવાનું જણાવ્યું હોવા છતાં ટોળકી રૂપિયા માંગતી જ રહી હતી.
ધમકીઓ અને ભયના કારણે ગભરાઈ ગયેલા ઉર્વેશભાઈને અચાનક તબિયત બગડી ગઈ અને તેઓ બાઈક પરથી નીચે ઢળી પડ્યા. આ ઘટનાને પગલે ચારેય શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવે છે. રસ્તા પરથી પસાર થતાં લોકોએ તરત જ તેમને રંગુન હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નંબર પ્લેટના મુદ્દે નકલી પોલીસ બની આવેલા શખ્સોએ રૂપિયા ઉઘરાવવાના દબાણથી જ તેમના પરિજનોનો જીવ લીધો છે. આ દુઃખદ ઘટનાથી પત્ની અને બે સંતાનો પર આભ તૂટી પડ્યું છે.
પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ બાદ જ વધુ હકીકતો બહાર આવશે.
