ભરૂચ શહેરમાં આવનારી હોળી પર્વને ધ્યાનમાં રાખી પર્યાવરણના જતન સાથે હોલિકા દહન કરવામાં આવે તે માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે. જે.બી. મોદી પાર્ક નજીક આવેલ ભરૂચ પાંજરાપોળ દ્વારા ‘આત્મનિર્ભર ગૌ માતા અભિયાન’ અંતર્ગત ગાયના ગોબરમાંથી બનાવેલા છાણાંનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
હોળી દરમિયાન પરંપરાગત રીતે હોલિકા દહનમાં મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થતો હોય છે, જેનાથી વૃક્ષોનું નુકસાન તથા પ્રદૂષણ વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંજરાપોળ ટ્રસ્ટીઓએ પર્યાવરણમિત્ર વિકલ્પ તરીકે ગોબરના છાણાં તૈયાર કરવાની યોજના અમલમાં મૂકી છે.
પ્રતિ નંગ રૂ. 5ના દરે છાણાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે અને હાલ તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. છાણાના વેચાણથી પ્રાપ્ત થતી રકમ પાંજરાપોળના વિકાસ અને ગૌસેવા કાર્યોમાં વપરાશે.
પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે, ગૌમાતાની સેવા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. લાકડાની જગ્યાએ ગોબરના છાણાંનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ શક્ય બનશે.
આ પહેલને શહેરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકોને પણ પર્યાવરણમિત્ર હોલિકા દહન માટે ગોબરના છાણાં ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
