ભરૂચ.
ભરૂચ રેલવે સ્ટેશન પરથી 4 કિલો ચરસ સાથે ઝડપાયેલા અંકલેશ્વરની મહિલા અને અમદાવાદના એક પુરુષને ભરૂચની વિશેષ એનડીપીએ અદાલતે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સમાજ વિરોધી અને 3 ગણી કોમર્શિયલ કોન્ટીટીને ધ્યાનમાં રાખી કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 12 ઓક્ટોબર 2019ના રોજ એનસીબીની અમદાવાદ ટીમે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર દરોડો પાડી દિલ્હીથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન મારફતે ચરસ લઈને આવેલી અંકલેશ્વરના ચૌટાબજારમાં રહેતી 40 વર્ષીય શરીનબાનુ ગફાર મલેકને ઝડપી પાડી હતી. તેની પાસેમાંથી અંદાજે 4 કિલો ચરસ જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થો લેવા માટે દાદાભાઈ બાગ નજીક પહોંચેલા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ફિરોઝખાન ઇબ્રાહિમખાન પઠાણને પણ એનસીબીએ કાબૂમાં લીધો હતો. બંને વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ભરૂચની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ ખાતે પાંચમા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ એડીપીએસ જજ પિંકલ સોની સમક્ષ ચાલી હતી. સરકાર તરફથી સરકારી વકીલ પી.બી. પંડ્યાએ મજબૂત પુરાવા અને દલીલો રજૂ કરી હતી. અંતે અદાલતે બંને આરોપીઓને 15 વર્ષની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં જથ્થો સપ્લાય કરવાનો આરોપ લાગેલા દિલ્હીના સાબરમતી જેલમાં રહેલા સહીદુલ હબીબુલ રહેમાન સામે પૂરતા પુરાવા ના મળતાં અદાલતે તેને નિર્દોષ જાહેર કર્યો છે.
