ભરૂચ.
ભરૂચ શહેરના કંથારિયા ગામની મસ્જીદ પાસે જંબુસર જવાના રોડ પર દારૂલ ઉલુમ નજીક હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મૃતકના પુત્રે અજાણ્યા વાહનચાલક સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ ભરૂચના ધોબી તળાવ દુધીયા પીર દરગાહ પાસે રહેતા યાસીન અબ્દુલ કાદર અબ્દુલ ગફુર શેખ (ઉ.વ. 30) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઈ સર્વિસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. તા. 04 માર્ચ 2026ના રોજ રાત્રે દોઢ વાગ્યાના સમય દરમિયાન તેમના પિતા કંથારિયા ગામની મસ્જીદ પાસે જંબુસર જવાના રોડ પર દારૂલ ઉલુમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા 70 વર્ષીય અબ્દુલ કાદર શેખને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની તબિયત વધુ બગડતા આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન બીજા દિવસે સવારે તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર યાસીને અજાણ્યા વાહનચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ કરી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
