ભરૂચ
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ‘ની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓના જીવન અને સશક્તિકરણ સાથે સીધા જોડાયેલા મહત્વના વિષય “પીવાનું સ્વચ્છ પાણી” પર વિશેષ ભાર મૂકીને મુખ્યમંત્રી મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંર્તગત ૨૦૨૫-૨૦૨૬ની પાણી સમિતિના મહિલા સભ્યો માટે સુજલામ શક્તિ દીવસ, જલ મહોત્સવની ઉજવણી જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લા આયોજન ભવન ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમને અનોખી રીતે ઉજવીને મહિલા દિવસને યાદગાર બનાવ્યો છે.
પીવાનું સ્વચ્છ પાણી એ માત્ર જરૂરિયાત નથી પણ મહિલાઓના ગૌરવ અને આરોગ્ય સાથે જોડાયેલો વિષય છે. જ્યારે ગામની મહિલાઓ પાણી સમિતિનું સુકાન સંભાળે છે ત્યારે વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ચોકસાઈ વધે છે. આજે એનાયત થયેલા આ પ્રોત્સાહક ચેક અને પ્રમાણપત્રો જિલ્લાના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવો આશાવાદ યુનિટ મેનેજર એચ.વી. કટુડિયાએ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે જિલ્લાની મહિલા પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરી જળ સેવાનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં જલ શક્તિ મંત્રાલય દ્નારા આયોજિત સુજલામ શક્તિ દીવસ જલ મહોત્સવ અભિયાનનો લાઈવ શુભારંભ કાર્યક્રમ ઉપસ્થિતોએ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંર્તગત ગ્રામીણ સ્તરે પાણીના વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૦% કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, ભરૂચ જિલ્લાના ૭ ગામોની પસંદગી કરવામાં આવી હતી. આ સમિતિઓને પ્રોત્સાહન રકમ આજરોજ મહાનુભાવોના હસ્તે રૂ. ૫૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો.
આમ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે સાથે જ ગામડાઓમાં પાણી પુરવઠાની વ્યવસ્થા સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘પાણી વેરા પ્રોત્સાહન યોજના’ અમલમાં છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન નિયત થયેલ લક્ષ્યાંક (૦ થી ૩૦%) પૂર્ણ કરનારા ભરૂચ જિલ્લાના કુલ ૫૧ ગામો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ તબક્કામાં આજ રોજ ભરૂચ, આમોદ અને વાગરા તાલુકાઓના ૧૮ ગામોને રૂ. ૧૪,૧૧,૫૩૮/- ના પેમેન્ટ ઓર્ડર તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રોત્સાહન રકમ ગ્રામ પંચાયતોને પાણી પુરવઠાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે ઉપયોગી થનાર છે.
આ તકે, મુખ્યમંત્રી મહિલા સશકિતકરણ કાર્યક્રમનો ઉદેશ્ય, સરકારની વિવિધ યોજનાઓ વિશે મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્નારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથોસાથ મહિલા સશક્તિકરણ અને મહિલાઓની પાણી સમિતિમાં ભૂમિકા, પાણી અને સ્વચ્છતા બાબતે મહિલાઓની ભૂમિકા તેમજ પાણી યોજનાની સંભાળનું ડેમોટેશન પણ બતાવામાં આવ્યુ હતું.
આ તકે, પાણી સમિતિની બહેનો તેમજ વિવિધ વિભાગના લાઈઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
