વાંકલ :
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ‘મિશન એમ્પ્લોયમેન્ટ-૨૦૨૬’ અંતર્ગત એક વિશાળ પ્લેસમેન્ટ ફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં દક્ષિણ ગુજરાતના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.
કન્વેન્શન હોલ અને યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન સવારે ૧૦ વાગ્યે કુલપતિ, રજિસ્ટ્રાર અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કુલપતિશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરત ઉદ્યોગોનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને VNSGUના વિદ્યાર્થીઓ તેમની કુશળતા દ્વારા ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ છે.
આ મેળામાં સુરત, વાપી, અંકલેશ્વર અને મુંબઈની અંદાજે ૮૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોની અગ્રણી કંપનીઓ, IT અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રની એજન્સીઓ, બેન્કિંગ અને વીમા ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ ફાર્મા અને કેમિકલ ક્ષેત્રની કંપનીઓ સામેલ રહી હતી.
વિદ્યાર્થીઓ માટે સેક્ટર મુજબ અલગ-અલગ વિભાગોમાં ઓન-ધ-સ્પોટ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. પ્રથમ વખત ઇન્ટરવ્યુ આપતા વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ ડેસ્ક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને પેપરલેસ રાખી QR કોડ આધારિત રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્લેસમેન્ટ કેમ્પમાં ઉમરપાડાની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આચાર્ય સુરેશ જી. બગુલના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર ડો. જશુબેન પરમાર અને પ્લેસમેન્ટ અધિકારી નીતિનભાઈ વસાવા વિદ્યાર્થીઓને કેમ્પમાં લઈ ગયા હતા.
સાંજે ૫ વાગ્યે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફરો પ્રાપ્ત થઈ હતી. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓની ટેકનિકલ કુશળતા અને શિસ્તના વખાણ કર્યા હતા.
