ભરૂચ:
ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. આ અવસરે મંગળવારે નગરપાલિકા ખાતે પ્રમુખ તથા તમામ સભ્યોનો વિદાય સમારંભ યોજાયો હતો.
નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાલિકા પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ તથા જનસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને વિવિધ વિકાસકાર્યો દ્વારા શહેરને નવી દિશા આપી છે.
પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને સભ્યોના સહકારથી છેલ્લા અઢી વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાઈ છે.
કાર્યક્રમ દરમિયાન તમામ સભ્યોને સન્માનિત કરી તેમના ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
