Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગંધારના મીઠાના અગરમાંથી કરોડોની કિંમતી વાહનો ઝડપાયા : ભાગીદારીના ધંધામાં છેતરપિંડીનો આક્ષેપ

Share

ભરૂચ.
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની ગેરકાયદેસર ઉઠાંતરી અને છેતરપિંડી મામલે હાથ ધરાયેલી તપાસ દરમિયાન વાગરા તાલુકાના ગંધાર ગામે આવેલા મીઠાના અગરમાંથી ચાર કિંમતી વાહનો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ રાજુલાના અરજદાર બિપિનભાઈ મુળશંકરભાઈ ઓઝાએ નોંધાવેલી અરજીના આધારે રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ. રાઠોડ દ્વારા વાગરા પોલીસને વિનંતી રિપોર્ટ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજુલા પોલીસની ટીમે ગંધાર ગામે આવેલા મીઠાના અગર ખાતે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ત્યાંથી બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન અને એક હાઈવા ડમ્પર મળી કુલ ચાર કિંમતી વાહનો મળી આવ્યા હતા. અરજદારના જણાવ્યા અનુસાર, તેમણે રાજુલાના પ્રતાપભાઈ ભોળાભાઈ બાંભણિયા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે પોતાની સારી સિબિલના આધારે ડાઉન પેમેન્ટ ભરી આ વાહનો ખરીદ્યા હતા અને ગંધાર ખાતેના મીઠાના અગરમાં કામ માટે મૂક્યા હતા.
સને 2024 દરમિયાન પ્રતાપભાઈ બાંભણિયાનું અવસાન થતાં ધંધાની જવાબદારી તેમના કૌટુંબિક ભાઈ અશોકભાઈ મનસુખભાઈ બાંભણિયાએ સંભાળી હતી. અરજદારનો આક્ષેપ છે કે અશોકભાઈએ વાહનોના ભાડાના આશરે ₹85 લાખ ચૂકવ્યા નહોતા તેમજ વાહનોનો કબજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી છેતરપિંડી આચરી હતી.
રાજુલા પોલીસે ગંધાર ગામના મીઠાના અગર પર દરોડો પાડી વિનુભાઈ ભુપતભાઈ બાંભણિયાના કબજામાંથી મહિન્દ્રા કંપનીના બે લાલ રંગના ટ્રેક્ટર, ટાટા કંપનીનું EX-130 મોડલનું હિટાચી મશીન તથા એક હાઈવા ડમ્પર કબજે કર્યા હતા. તપાસ દરમિયાન આ તમામ વાહનો પર નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર હાજર વિનુભાઈ પાસે વાહનોના ખરીદી, ભાડા કે ભાગીદારી અંગેના કોઈ કાયદેસર દસ્તાવેજો પણ રજૂ કરી શક્યા નહોતા.
આ ઉપરાંત તપાસ દરમિયાન સામેવાળા અશોકભાઈ બાંભણિયાએ એક વકીલ મારફતે રાજુલા પીઆઈ વી.એમ. કોલાદરાને ફોન કરી પોતે હાઈકોર્ટના વકીલ હોવાનું જણાવી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ રિપોર્ટમાં નોંધાયું છે.
વાહનો સગેવગે થઈ જવાની શક્યતા હોવાને કારણે રાજુલા પોલીસે તમામ વાહનો વાગરા પોલીસ સ્ટેશનના હસ્તગત રાખી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં મોટા પ્રમાણમાં મીઠાના સોલ્ટ ઉદ્યોગો ચાલી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવહારોમાં એક પછી એક આર્થિક કૌભાંડો સામે આવી રહ્યા છે. અગાઉ પણ ભાગીદારીના ધંધામાં કરોડોની છેતરપિંડીનો મામલો બહાર આવ્યો હતો, જેની તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે હવે ગંધાર ગામના મીઠાના અગરમાંથી કિંમતી વાહનો ઝડપાવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો મીઠાના કારોબારમાં ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ અનેક ગેરરીતિઓ અને છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવી શકે છે.

Share

Related posts

જાંબુગોઢા અભિયારણ માં કેમિકલ ખાલી કરવા માટે 5 વ્યક્તિ ની વન વિભાગ દ્વારા ધરપકડ અને મુખ્ય સૂત્રધાર અંકલેશ્વર નો ગુડડું હાલ ફરાર…

ProudOfGujarat

હાઇવેની હાલત લથડી : બિસ્માર રસ્તાઓને કારણે બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સોશિયલ મીડિયા અને ન્યુઝમાં રેશનિંગનાં ઘઉં પકડાયાનાં સમાચાર વહેતા થતા લખતરનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!