વાંકલ :
માંગરોળ તાલુકામાં વધતા લાઇનલોસ, વારંવાર સર્જાતી વીજ ખલેલ અને ગેરકાયદેસર રીતે લંગર નાખી વીજચોરી થતી હોવાની ફરિયાદોને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)એ મેગા ઓપરેશન હાથ ધરી વીજચોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરત કોર્પોરેટ ટીમ, વિજિલન્સ વિભાગ અને વિવિધ જિલ્લાના અધિકારીઓની સંયુક્ત ટીમે વહેલી સવારે ચાર ગામોમાં દરોડા પાડી અંદાજે રૂ. ૩૦ લાખની વીજચોરી ઝડપી પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળ તાલુકાના મોસાલી, સિમોદ્રા, આસારમા અને રણકપોર ગામોમાં લાંબા સમયથી ગેરકાયદેસર કનેક્શન મારફતે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેના કારણે નિયમિત બિલ ભરતા ગ્રાહકોને વીજ પુરવઠામાં અવરોધ, લો-વોલ્ટેજ અને પાવર ટ્રિપિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને સુરત કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાની વિજિલન્સ ટીમોએ સંયુક્ત રીતે મેગા ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. વિજિલન્સ અધિકારી આશિષ ડીમર, માંગરોળ વિભાગના અધિકારી ડેવિડ વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વ હેઠળ ૧૭ ટીમો અને ૧૮ વાહનોના કાફલા સાથે સવારે ૬ વાગ્યે જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સંપૂર્ણ ગુપ્તતાથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સ્થાનિક સ્તરે અગાઉથી કોઈ જાણકારી ન હોવાથી વીજચોરી કરતા તત્ત્વો પણ ચોંકી ઉઠ્યા હતા.
ટીમોએ ચારેય ગામોમાં કુલ ૮૮૩ વીજ કનેક્શનોની સઘન અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૩૩ સ્થળોએ વીજચોરી અને ગેરરીતિઓ ઝડપાઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ સ્થળોએથી આશરે રૂ. ૩૦ લાખની વીજચોરી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
DGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપાયેલા તમામ કિસ્સાઓમાં નિયમ મુજબ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ વીજચોરી સામે આવી જ પ્રકારની અચાનક ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેશે અને ગેરકાયદેસર વીજ વપરાશ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.
વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે થયેલા આ વ્યાપક ઓપરેશન બાદ સમગ્ર માંગરોળ પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, જ્યારે વીજચોરીમાં સંડોવાયેલા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
