ભરૂચ.
ભરૂચ તાલુકા પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દહેજ જવાના માર્ગ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભરૂચ-દહેજ રોડ પર દહેગામ નજીક ઇકરા સ્કૂલ પાસે વોચ ગોઠવી 6.35 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. જોકે પોલીસને જોઈ ચાલક પિકઅપ રોડ પર મુકી ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એક સફેદ કલરની બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દહેજ તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઇકરા સ્કૂલ નજીક ચેકિંગ ગોઠવ્યું હતું. દરમિયાન બાતમી મુજબની બોલેરો પિકઅપ આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે ગાડી ન અટકાવી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે તેનો પીછો કરતાં થોડે દૂર ચાલકે પિકઅપ રોડની સાઇડમાં ઊભી રાખી ઝાડીઓનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે પિકઅપની તપાસ કરતાં પાછળના ભાગમાં સુકા ઘાસના ભુકા ભરેલી બેગો જોવા મળી હતી. શંકા જતા બેગો હટાવી તપાસ કરતાં નીચે ખાખી રંગના પુઠ્ઠામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 189 બોક્સમાંથી 4,572 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 6.35 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ ઉપરાંત આશરે 5 લાખ રૂપિયાની પિકઅપ ગાડી સહિત કુલ 11.35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
