ભરૂચ :
ભરૂચ વાહનવ્યવહાર વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જિલ્લામાં ઓવરલોડિંગ અને ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. 19 જૂનથી 20 જૂન સવારે 8 વાગ્યા સુધી વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઇવે પર રેતી ભરેલા વાહનોનું સઘન આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન હાઇવે પરથી પસાર થતા 450થી વધુ રેતી ભરેલા વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આર.ટી.ઓ.ના વિવિધ નિયમોનો ભંગ કરતા તેમજ ઓવરલોડિંગ કરતા કુલ 71 વાહનો સામે કાયદેસર કેસ (મેમો) નોંધવામાં આવ્યા હતા. સ્થળ પર તેમજ કાયદાકીય પ્રક્રિયા હેઠળ કુલ ₹7,68,217નો દંડ ફટકારી વસૂલાત કરવામાં આવી હતી.
વિગતો અનુસાર, નિયત ક્ષમતા કરતા વધુ વજન ધરાવતા 34 ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરીને ₹4,09,000 દંડ વસૂલાયો હતો. જ્યારે નો-પાર્કિંગ, વીમા વિના વાહન ચલાવવું, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, ગેરકાયદેસર LED તથા એક્સ્ટ્રા લાઇટ જેવા અન્ય ગુનાઓ બદલ 37 વાહનો સામે કાર્યવાહી કરી ₹2,87,217નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન વધુ એક ગંભીર અનિયમિતતા પણ સામે આવી હતી. કુલ 4 વાહનો કોઈપણ કાયદેસર રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતા ઝડપાયા હતા. ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહનના મામલે તાત્કાલિક ભૂસ્તરશાસ્ત્રી (ખાણ-ખનીજ) વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ચારેય વાહનોને આગળની દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને હવાલે કરવામાં આવ્યા હતા.
વાહનવ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે ઓવરલોડિંગ, ગેરકાયદેસર ખનીજ વહન અને ટ્રાફિક નિયમોના ભંગ સામે આવી સઘન કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થઈ શકે.
