ભરૂચ:
ભરૂચ ના નવો સરદાર બ્રિજ પર તંત્ર દ્વારા સમારકામ કામગીરી શરૂ કરાતા બ્રિજ પરથી પસાર થતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરિણામે તમામ ટ્રાફિકને કેબલ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે બંને છેડે લાંબો ચક્કાજામ સર્જાયો છે.
બ્રિજ પર પ્રતિબંધ બાદ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે જાણે વાહનોના પાર્કિંગ પ્લોટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ચોમાસાના આગમન પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓનું સમારકામ ગઈકાલે મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજ બંધ થતાં જ સમગ્ર ટ્રાફિક કેબલ બ્રિજ તરફ વાળી દેવાયો, જેના પરિણામે હાઈવેની બંને લાઈનોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
આ ટ્રાફિક સમસ્યાના કારણે વાહનચાલકોનો સમય અને ઈંધણ બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો સરદાર બ્રિજ પર છેલ્લા ત્રણ વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ અમલમાં છે. હવે નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ થતાં સમગ્ર ભાર કેબલ બ્રિજ પર આવી ગયો છે.
