ભરૂચ :
ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે વધુ એક પ્રશંસનીય કામગીરી કરતા ગુમ થયેલી 21 વર્ષીય નેપાળી યુવતી અને તેના એક વર્ષના બાળકને માત્ર ગણતરીના કલાકોમાં સુરતમાંથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળથી થોડા દિવસ પહેલાં જ ભરૂચ આવેલા પરિવારની યુવતી પોતાના બાળક સાથે તુલસીધામ વિસ્તારમાં ખરીદી કરવા ગઈ હતી. પરત ફરતી વખતે તે પરિવારથી વિખૂટી પડી હતી. યુવતી પાસે મોબાઇલ ફોન ન હતો તેમજ તેને નેપાળી ભાષા સિવાય અન્ય કોઈ ભાષા આવડતી ન હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યારબાદ ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક “ઓપરેશન મિલાપ” શરૂ કરવામાં આવ્યું. અલગ-અલગ ટીમો બનાવી તુલસીધામથી ઝાડેશ્વર ચોકડી અને રેલવે સ્ટેશન સુધીના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન યુવતી બાળક સાથે ઝાડેશ્વર ચોકડીથી રિક્ષામાં અંકલેશ્વર તરફ અને ત્યારબાદ બસ મારફતે સુરત જતી હોવાનું સામે આવ્યું. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બંને હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે ત્યાં પહોંચી મા-દીકરાને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા.
ત્યારબાદ બંનેને ભરૂચ લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પોતાના સ્વજનોને સુરક્ષિત પરત મળતાં પરિવારજનોએ ભાવવિભોર થઈ પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 દરમિયાન “ઓપરેશન મિલાપ” અંતર્ગત ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલા કુલ 35 વ્યક્તિઓમાંથી 29 વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી છે, જે પોલીસની અસરકારક કામગીરીનો વધુ એક પુરાવો છે.
