ભરૂચ: ભરૂચના તવરા રોડ પર બેકાબૂ બનેલી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઇકોને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, તવરા રોડ પરથી બાઇકચાલકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે અને બેકાબૂ બનીને આવેલી કારે એક બાદ એક બાઇકોને ટક્કર મારી હતી. કારની જોરદાર ટક્કરથી બાઇકચાલકો રસ્તા પર પટકાયા હતા અને કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતના પગલે તવરા રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી રસ્તા પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અકસ્મત કેવી રીતે સર્જાયો, કારચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણસર કાર બેકાબૂ બની હતી તેમજ અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અંગેની વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવશે. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
