Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેજલપુર ખારવા સમાજના ગરીબ બાળકના 16 વર્ષના અભ્યાસની જવાબદારી PSI મનીષ મિસ્ત્રીએ લીધી : ‘એક બાળક ભણશે તો આખો સમાજ આગળ વધશે’; પ્રી-નર્સરીથી ધો.12 સુધી સ્કૂલ ફીથી લઈ યુનિફોર્મ-ટ્રાન્સપોર્ટેશન સહિતનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત

Share

 

ભરૂચ : વેજલપુર ખારવા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. સ્વ. બાબુભાઈ છગનલાલ મિસ્ત્રી તથા કોકીલાબેનના સુપુત્ર અને PSI મનીષ મિસ્ત્રીએ સમાજના સૌથી ગરીબ પરિવારમાંથી એક બાળકના પ્રી-નર્સરીથી ધોરણ-12 સુધીના સમગ્ર અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.

Advertisement

મનીષ મિસ્ત્રી આગામી શૈક્ષણિક સત્ર 2027થી બાળકના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. બાળકના અભ્યાસ દરમિયાન સ્કૂલ ફી ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ફી, સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, ચોપડા, અભ્યાસની સામગ્રી, ટ્યુશન ફી તેમજ સ્કૂલના પ્રોજેક્ટ માટે જરૂરી સામગ્રી સહિતના તમામ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘કોઈપણ સંજોગોમાં ભણતરમાં અવરોધ નહીં આવે’

મનીષ મિસ્ત્રીએ એવી પણ બાંહેધરી આપી છે કે, 2027થી 2043 સુધી બાળકના શિક્ષણમાં કોઈપણ પ્રકારનો અવરોધ નહીં આવે. સંજોગવશાત પોતાને કંઈ થાય તો તેમના એક ખાસ મિત્ર સમાજનો સંપર્ક કરી વિદ્યાર્થીની સમગ્ર જવાબદારી સંભાળશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

‘મહિને માત્ર રૂ.50થી એક બાળકનું ભવિષ્ય બદલી શકાય’

આ પ્રસંગે સમાજમાં શિક્ષણ માટે સામૂહિક દાનની અપીલ પણ કરવામાં આવી છે. રિક્ષા ચલાવતા, સુથારીકામ, સેન્ટીંગ કે અન્ય મજૂરીકામ કરતા લોકો પણ દર મહિને માત્ર રૂ.50નું યોગદાન આપે તો એક વર્ષમાં રૂ.600 એકત્ર થઈ શકે છે. આવા 100 લોકોનું એક ગ્રુપ બને તો વર્ષમાં રૂ.60 હજાર એકત્ર થઈ શકે અને એક ગરીબ બાળકના શિક્ષણમાં મોટું યોગદાન આપી શકાય.

નોકરી કરતા લોકો પણ વર્ષમાં રૂ.1000 કે રૂ.2000નું યોગદાન આપે તો અનેક બાળકોના શિક્ષણની જવાબદારી સામૂહિક રીતે ઉઠાવી શકાય છે.

‘સમાજનો પૈસાદાર વર્ગ આગળ આવે’

સમાજના આર્થિક રીતે સક્ષમ લોકોને પણ આગળ આવી એક કે વધુ બાળકોના ધોરણ-12 સુધીના શિક્ષણની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી છે. સામૂહિક પ્રયાસોથી આગામી વર્ષોમાં સમાજમાંથી અનેક IAS, IPS, ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ ઊભા થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વેજલપુર વિઝન-2050નું આહ્વાન

‘વેજલપુર વિઝન-2050’ને સાકાર કરવા સમાજના દરેક વર્ગને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. મહિને રૂ.50, રૂ.100 કે પોતાની ક્ષમતા મુજબનું દાન હોય અથવા 100-200 લોકોનું ગ્રુપ બનાવી એક ગરીબ બાળકના શિક્ષણની જવાબદારી લેવાની પહેલ હોય—દરેક નાનકડું યોગદાન સમાજના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટું પગલું બની શકે છે.

‘દાન માત્ર પૈસાનું નહીં, એક બાળકના ભવિષ્યનું કરો’—એવા સંદેશ સાથે સમાજના લોકો શિક્ષણની આ પહેલમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી સભ્યોની જીલ્લા કલેકટર સામે રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઇડીસીમાં આવેલ હિમાની કંપનીમાં આગ લાગતા એક કામદારનું મોત.

ProudOfGujarat

ઝઘડિયા નજીક ઓવરલોડ માટી ભરીને જતી ત્રણ ટ્રકો ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!