ભરૂચ:
ઝઘડિયા જીઆઈડીસીમાં બેટરી એસિડનો વેપાર કરતા કંપની માલિકને આર્મી કેમ્પમાં એસિડ સપ્લાયનો મોટો ઓર્ડર આપવાની લાલચ આપી ગઠિયાઓએ રૂ.6.99 લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીની ખુશ એક્ઝોટીકા ખાતે રહેતા મનીષ મણીલાલ પટેલ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ઝઘડિયા જીઆઈડીસીમાં શ્યામ એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવી બેટરી એસિડનો વેપાર કરે છે. ગત 17 ઓગસ્ટે તેઓ કંપનીની ઓફિસમાં હતા ત્યારે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. તેણે પોતાનું નામ રાજેશ કુમાર જણાવી અમદાવાદ શાહીબાગ આર્મી કેમ્પની કેન્ટોનમેન્ટ બોર્ડ ઓફિસમાંથી બોલતો હોવાનું કહ્યું હતું.
આ શખ્સે ઈન્ડિયામાર્ટ પરથી મનીષ પટેલનો મોબાઈલ નંબર મળ્યો હોવાનું જણાવી 1250 ગ્રેવિટીનું બેટરી એસિડ વેચાણ કરતા હોવા અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ 20 લીટરના 350 તથા 35 લીટરના 450 કારબાનો ઓર્ડર આપવાની વાત કરી રૂ.8.30 લાખથી વધુનું કોટેશન મંગાવ્યું હતું.
માલ સપ્લાય બાદ તાત્કાલિક પેમેન્ટ મળી જશે તેમ કહી ગઠિયાઓએ વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં કુલદીપસિંહ નામના શખ્સે આર્મીમાં વેન્ડર કોડ શરૂ કરવાની તથા અન્ય પ્રક્રિયાના બહાને મનીષ પટેલ પાસેથી ઓનલાઈન રૂ.6.99 લાખ કાલુપુર કોમર્શિયલ કો.ઓ. બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ વધુ રૂ.2.50 લાખની માંગણી થતાં મનીષ પટેલને શંકા ગઈ હતી. પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
