ભરૂચ:
ગોવાથી ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિષ્ફળ બનાવ્યો હતો. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર કારેલા ગામની સીમ નજીકથી ફિનોલેક્સ કંપનીના કેબલ સહિતના સામાનની નીચે સંતાડેલો રૂ.27.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનાર સહિત કુલ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત અને ભરૂચ જિલ્લામાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે બંધ બોડીના કન્ટેનરમાં ગોવાથી ટ્રાન્સપોર્ટના માલની આડમાં દારૂ ભરી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. ટીમે કોસંબા નજીક વોચ ગોઠવી હતી, પરંતુ કન્ટેનર ત્યાંથી આગળ નીકળી ગયું હોવાનું જાણવા મળતાં તેનો પીછો કર્યો હતો. અંતે એક્સપ્રેસ વે પર કારેલા ગામની સીમમાંથી કન્ટેનર ઝડપી પાડ્યું હતું.
કન્ટેનર ચાલકની પૂછપરછમાં તેનું નામ ગુલફાન હમીદખાન પઠાણ (રહે. ભીસંડા, તા. બાંદા, ઉત્તર પ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. કન્ટેનરની તપાસ કરતાં શરૂઆતમાં ફિનોલેક્સ કંપનીના કેબલ સહિત રૂ.9.11 લાખનો ટ્રાન્સપોર્ટનો સામાન જોવા મળ્યો હતો. જોકે, આ સામાન હટાવી તપાસ કરતાં તેની પાછળ વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી મળી આવી હતી.
કન્ટેનરને ભરૂચ તાલુકા પોલીસ મથકે લઈ જઈ માલ ઉતારી તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની કુલ રૂ.27.98 લાખની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં ગુલફાને જણાવ્યું હતું કે, ગોવાથી દારૂ ભરી ગુજરાત પહોંચાડવા માટે પ્રમોદ યાદવે તેને રૂ.30 હજાર આપવાની લાલચ આપી હતી. ગોવાના વર્ના ખાતે પેટ્રોલ પંપ પાસે કન્ટેનર ઊભું રાખ્યા બાદ પ્રમોદના માણસે ફિનોલેક્સ કંપનીનો સામાન લોડ થયા પછી તેની નીચે દારૂ સંતાડ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસે કન્ટેનર ચાલક ગુલફાન હમીદખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે ગોવાથી દારૂ મોકલનાર પ્રમોદ યાદવ, તેનો સાગરીત બબુલ શેખ, કન્ટેનર માલિક દેવદત્ત ત્રિપાઠી, કન્ટેનરમાં દારૂ સંતાડીને ભરી આપનાર શખ્સ તથા વડોદરા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર શખ્સ સહિત કુલ છને વોન્ટેડ જાહેર કર્યા છે.
