Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કચરાના સ્પોટ બનશે મિની ગ્રીન પાર્ક? વોર્ડ નં. 2ના કાઉન્સિલરોની નગરપાલિકામાં રજૂઆત : ડોર ટુ ડોર કચરા કલેક્શન નિયમિત કરવા માંગ; ધોબી તળાવથી હુસેનીયા રોડ સુધીનાં સ્થળોનો સર્વે કરી પેવર બ્લોક, ગ્રીનરી અને બેઠક વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરમાં જાહેર સ્થળોએ કચરાના ઢગલાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્ક અને જાહેર સુવિધાઓથી સજ્જ સ્થળોમાં વિકસાવવાની માંગ ઊઠી છે. વોર્ડ નંબર 2ના કાઉન્સિલરો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલ સહિત વોર્ડ પ્રમુખ ઇકબાલભાઈ પટેલ તથા આગેવાનો સફીક સલ્લુ અને બાબુ પટેલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં માત્ર કચરો ઉપાડીને સ્થળ સાફ કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. વર્ષોથી કચરો એકત્ર થતો હોય તેવા સ્થળોનું કાયમી સૌંદર્યીકરણ કરી ત્યાં વૃક્ષારોપણ, ગ્રીનરી, પેવર બ્લોક, બેઠક વ્યવસ્થા અને ડેકોરેટિવ લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થઈ શકે છે.

કાઉન્સિલરોએ ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા દરેક વિસ્તારમાં નિયમિત અને સમયસર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. કચરા કલેક્શન વાહનોના નિર્ધારિત રૂટ અને સમય નક્કી કરવા, સેવાની નિયમિત દેખરેખ રાખવા અને બેદરકારી દાખવનાર સામે જવાબદારી નક્કી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ઘરેથી જ કચરાનો સમયસર નિકાલ થાય તો જાહેર સ્થળોએ કચરો ઠાલવવાની સમસ્યા ઘટી શકે છે.

વોર્ડ નંબર 2ના કાઉન્સિલરોએ ધોબી તળાવ પાસે, ડુંગરી પાણીની ટાંકી પાસે, આખરી મંજિલ કબ્રસ્તાન રોહિતવાસ પાસે, ડબીપુરા મસ્જિદ પાસે, લક્ષ્મીનગર પાસે, સિરાજ પાર્કની સામે, રેહાન ફ્લેટની સામે અને હુસેનીયા રોડ પર આવેલા કચરાના સ્પોટનો સર્વે કરી સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસ કરવાની માંગ કરી છે.

આ સ્થળોએ ઉપલબ્ધ જગ્યા અને તકનીકી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પેવર બ્લોક, વૃક્ષારોપણ, બેઠક વ્યવસ્થા અને જરૂરી હોય ત્યાં સિનિયર સિટીઝન માટે ગેઝિબો બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગેના સંદેશા દર્શાવતા બોર્ડ, ડસ્ટબિન અને નિયમિત સફાઈની વ્યવસ્થા ઊભી કરવા પણ જણાવ્યું છે.

વોર્ડ નંબર 2ના કાઉન્સિલરો અને આગેવાનોએ શહેરના તમામ મુખ્ય કચરાના સ્પોટનો સર્વે કરી તબક્કાવાર વિકાસ યોજના તૈયાર કરવા અને કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે. હવે નગરપાલિકા આ રજૂઆતના આધારે કચરાના સ્થળોના કાયમી ઉકેલ માટે કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.


Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 54195 મતથી આગળ…

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!