ભરૂચ :
ભરૂચ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી દરમિયાન બી ડિવિઝન પોલીસે ડુંગરી ત્રણ કુવા રેલવે ફાટક પાસેથી 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી ધ્રુવ નરેશ ગોહિલની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનારા અન્ય બે શખ્સોનાં નામ સામે આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ડ્રગ્સ, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 2.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડુંગરી ત્રણ કુવા રેલવે ફાટક પાસે એક યુવાન મોપેડ પર MD ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી મોપેડસવાર ધ્રુવ નરેશ ગોહિલ (રહે. સોન તલાવડી)ને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ દરમિયાન 76 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું.
પોલીસે અંદાજે રૂ. 2.28 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, રૂ. 50 હજારનું મોપેડ અને રૂ. 10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ધ્રુવ ગોહિલની પૂછપરછ દરમિયાન તેણે ભરૂચના લાલવાડ વિસ્તારમાં રહેતા મોહસિન ઉર્ફે મોની લાકડાવાલા પાસેથી 39 ગ્રામ અને જૈમિન ઉર્ફે જય પટેલ પાસેથી 37 ગ્રામ મેફેડ્રોન મેળવ્યું હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થામાંથી નાની-નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
આ મામલે પોલીસે ધ્રુવ ગોહિલ સહિત ત્રણેય સામે NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચાણ કરવામાં આવતું હતું અને નશાના આ કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. ફરાર બંને શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
