ભરૂચ :
ભરૂચમાં વિજયાદશમી પર્વની ઉજવણીને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે BNS ગ્રુપ દ્વારા આ વર્ષે પ્રથમવાર 45 ફૂટ ઊંચા રાવણના દહનનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાવણ દહન સાથે શસ્ત્રપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સાંજે શસ્ત્રપૂજન કરવામાં આવશે. ત્યારબાદ 45 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે. ભરૂચમાં પ્રથમવાર આટલા વિશાળ રાવણના દહનનું આયોજન થઈ રહ્યું હોવાથી ધર્મપ્રેમી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશ ધારણ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને પૌરાણિક પાત્રો પ્રત્યે રસ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
BNS ગ્રુપના સ્થાપક વૃષભ પટેલ, પ્રમુખ તીર્થ પટેલ સહિતના સભ્યોએ ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય આયોજનમાં ઉપસ્થિત રહી વિજયાદશમી પર્વની ઉજવણીમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું છે.
