ભરૂચ :
નવરાત્રી દરમિયાન અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા પરંપરાગત ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઠમા નોરતે સમાજની મહિલાઓએ માથે ગર્ભદીપ એટલે કે ગરબો ધારણ કરી માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબે ઘૂમીને સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિની યાદ તાજી કરી હતી.
ભરૂચમાં વસતા લેઉવા પટેલ સમાજના એકથી વધુ પરિવારોએ એકત્ર થઈ આ પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું. ખાસ કરીને નવી પેઢીની યુવતીઓને નવરાત્રીના મૂળ વારસા સાથે પરિચિત કરાવવા અને ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી નવરાત્રીની ઉજવણી સાથે ગર્ભદીપ ધારણ કરીને ગરબા રમવાની પરંપરા રહી છે. ચોમાસું પૂર્ણ થયા બાદ કૃષિકાર્યનો ભાર હળવો થતાં નવરાત્રીના પર્વમાં મહિલાઓ અને કન્યાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હતો. આ દરમિયાન કન્યાઓ માથે દીપક સાથે ગરબો ધારણ કરી હાર્મોનિયમ, દોકડ, ઢોલ અને મંજીરાના તાલે જગતજનની મા જગદંબાની પ્રતિમાની ફરતે પરંપરાગત ગરબા રમતી હતી. આ દૃશ્ય ગ્રામ્ય જીવનની સાદગી અને ભક્તિભાવનું અનોખું પ્રતીક બનતું હતું.
પરંપરા અનુસાર, ગરબા પૂર્ણ થયા બાદ ગામના શ્રેષ્ઠીઓ દ્વારા ગરબે ઘૂમતી કન્યાઓને લ્હાણી આપવામાં આવતી હતી. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કુંવારી કન્યાઓને ભોજન કરાવવાની પરંપરા પણ નારીશક્તિના સન્માન અને પૂજનનું મહત્ત્વ દર્શાવે છે.
આવી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સમયની સાથે વિસરાઈ ન જાય તેવા આશયથી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની મહિલાઓએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ગરબા રમ્યા હતા. અર્વાચીન ગરબાની ઝાકમઝોળ વચ્ચે યોજાયેલું આ આયોજન નવી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડવા ઉપરાંત લોકપરંપરાના જતન માટે પ્રેરણારૂપ બન્યું હતું.
