Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરપુરા પાસે હાઇવેના બાંધકામ સામે નહીં, સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં રોષ : 300થી વધુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અંડરપાસની માંગ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું; માંગ નહીં સંતોષાય તો આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64 (SH-6) હાઇવેના બાંધકામને લઈને સ્થાનિક ગ્રામજનોએ વિદ્યાર્થીઓની સુરક્ષા, વરસાદી પાણીના નિકાલ અને કબ્રસ્તાન સુધીની અવરજવર સહિતના જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે શેરપુરા-ડુંગરી માર્ગ ગામ તેમજ આસપાસની સોસાયટીઓ માટે અવરજવરનો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. હાઇવેના નિર્માણ દરમિયાન આ માર્ગ પર સુરક્ષિત અંડરપાસની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો શાળાએ જતા વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ શકે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. ખાસ કરીને પગપાળા અને સાયકલ પર શાળાએ જતા બાળકોને હાઇવે પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે.

જો હાલનો સીધો માર્ગ બંધ થાય તો વિદ્યાર્થીઓને વૈકલ્પિક માર્ગે જવા માટે બે થી ત્રણ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડી શકે છે. આથી વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને પ્રાથમિકતા આપી યોગ્ય અંડરપાસ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કબ્રસ્તાન સુધીની અવરજવર સરળ રહે તે માટે પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની માંગ કરી છે. હાઇવેના બાંધકામથી ગામના લોકોની દૈનિક અવરજવર અને સ્થાનિક જરૂરિયાતો પર પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાંધકામની ડિઝાઇનમાં જરૂરી સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ સંબંધિત હાઇવે અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં સંયુક્ત સ્થળ તપાસ કરાવવા તેમજ રોડ સેફ્ટી ઓડિટ હાથ ધરવાની પણ માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ ગામના લોકોની સુરક્ષા અને સુવિધાઓ જળવાઈ રહે તે જરૂરી છે.

માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે તેમની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે અને જરૂર પડે તો ન્યાય મેળવવા કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે. હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત હાઇવે વિભાગ આ રજૂઆત અંગે શું પગલાં ભરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.


Share

Related posts

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને વિવિધ પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં તમામ ટયુશન કલાસીસ બંધ કરવા નગરપાલિકાનાં અધિકારીઓ કલાસીસ પર પહોંચ્યા.

ProudOfGujarat

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, વીજળી પડતાં 20 થી વધુના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!