ભરૂચમાં આગામી 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળી રેલવે સ્ટેશન સુધી પહોંચશે. જ્યાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, એસસી મોરચાના પ્રમુખ રાજીવ પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી રાજેન્દ્ર સુતરિયા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશ રોહિત સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદમાં ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, યુવા પેઢીમાં બંધારણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને બંધારણના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોના કાર્યને લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉપરાંત ભરૂચનું ગૌરવ ગણાતા અને બંધારણની કોર કમિટીના સભ્ય કનૈયાલાલ માણેકલાલ મુનશીના યોગદાનને પણ ઉજાગર કરવામાં આવશે. રેલીમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો અને શહેરની વિવિધ સંસ્થાઓ પણ જોડાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 26 નવેમ્બર કાનૂન દિવસ તરીકે ઉજવાતો હતો, પરંતુ વર્ષ 2015માં ડૉ. આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. ભાજપ સરકાર દ્વારા બાબાસાહેબ સાથે સંકળાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાની પહેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે ભાજપના આગેવાનોએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક સ્વતંત્રતાઓનું હનન કરવામાં આવ્યું હતું. તેમજ બાબાસાહેબને ચૂંટણીમાં હરાવવાના પ્રયાસો અંગે પણ કોંગ્રેસની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. ભાજપ સરકારની જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરી વંચિત વર્ગોના સશક્તિકરણની વાત પણ રજૂ કરવામાં આવી હતી.
