ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે રાત્રીના સમયે દરોડો પાડયો હતો
ભરૂચ.
વાગરા તાલુકાના નાંદીડા ગામે ગેરકાયદે ચાલતાં માટી ખનનના સ્થળે ખાણખનીજ વિભાગની ટીમે દરોડો પાડી એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું. ખાણખનીજ વિભાગની ટીમે સ્થળનું જીપીએસ મેપિંગ કરી ખનીજ ચોરોએ કેટલાં પ્રમાણમાં માટી ચોરી કરી તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. જે બાદ જીપીએસ મેપિંગના રિપોર્ટના આધારે ખનીજ ચોરોને દંડ ફટકારવામાં આવશે.

ભરૂચ ભુસ્તર વિભાગને ફરિયાદ મળી હતી કે, વાગરા તાલુકામાં આવેલાં નાંદીડા ગામે સર્વે નંબર ૪૮માં આવતાં એક ખેતરમાંથી ગેરકાયદે રીતે માટી ચોરી કરવાનું કૌભાંડ ચાલે છે. જેના પગલે ટીમે શુક્રવારની મધ્યરાત્રીએ સ્થળ પર દરોડો પાડયો હતો. ટીમને સ્થળ પર હેક હિટાચી મશીન મળી આવ્યું હતું. જોકે, તેના માલિક કે અન્ય કોઈને ત્યાં હાજરી નહીં મળતાં ટીમે હિટાચી મશીન જપ્ત કર્યું હતું. ઉપરાંત વિસ્તારમાં માટીનું ખનન થયું હોવાને કારણે જીપીએસ માપણી કરી વિસ્તારમાંથી કેટલાં પ્રમાણમાં માટીનુ ખનન થયું તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. બીજી તરફ ટીમે જમીન માલિક સહિત હિટાચી માલિક સહિત માટી ખનન કરનારાઓની વિગતો મેળવવાની પણ કવાયત હાથ ધરતાં આખા કારસાનો મુખ્ય સુત્રધાર અને હિટાચી મશીનનો માલિક અનિલ વસાવા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે બાદ જીપીએસ મેપિંગના રિપોર્ટના આધારે ખનીજ ચોરોને દંડ ફટકારવામાં આવશે.
