નડિયાદ.
નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત સરકારના “કનેક્ટ ગુજરાત” અભિયાન અંતર્ગત માહિતી નિયામક કે.એલ. બચાણીની અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની સહ અધ્યક્ષતામાં આજે નડિયાદ ખાતે બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએથી સોશિયલ મીડિયા દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવાની કામગીરીમાં ગતિ લાવવી અને જનસામાન્ય અને લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચાડવાની હતી.
માહિતી નિયામકએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા એક અસરકારક માધ્યમ બની ચૂક્યું છે. સરકારની યોજનાઓ, સફળતાઓ તથા પોઝિટિવ સ્ટોરીઝને વધુથી વધુ લોકોને પહોંચાડવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સનો વ્યાપક ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જિલ્લા સ્તરે અલગ સોશિયલ મીડિયા યુનિટની રચના કરવાની સૂચના પણ આપી.
વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશન મારફતે સોશિયલ મીડિયાની અસરકારકતાની વિગતો આપી હતી અને જણાવ્યું કે તે હવે અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવાનું શક્તિશાળી સાધન બની ગયું છે. આપત્તિ વ્યવસ્થાપનમાં પણ તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
બેઠકમાં વોટ્સએપ ગ્રુપ નેટવર્ક, સોશ્યલ મીડિયા ડિરેક્ટરીની રચના, તાલીમ કાર્યક્રમો, તથા તાલુકા-ગ્રામ્ય કક્ષાની કચેરીઓ માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ શરૂ કરવા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત યાદવ, મનપા કમિશનર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
