સંતરામપુરનું દંપતિ પુત્રીને તેની સાસરીએ મુકવા આવ્યો હતો
ભરૂચ.
મહિસાગર જિલ્લાના સંતરામપુર ગામે રહેતાં કાનજી રૂમાલ ડામોર તેમજ તેમની પત્ની શાંતાબેન તેમની પુત્રી ગાયત્રીને આમોદના માતર ગામે આવેલાં એક તબેલામાં કામ કરતાં તેમના જમાઇ નિલેશ ગુલાબ ભુરિયાને ત્યાં મુકવા માટે આવ્યાં હતા. પુત્રીને જમાઇને ત્યાં મુક્યા બાદ તેઓ પરત જવા નિકળતાં તેમના જમાઇ નિલેશ ભુરિયા તેમની બાઇક પર સાસુ-સસરા બન્નેને બેસાડીને કરજણ તરફ જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં માતર ગામના પાટિયા પાસે રોડ પર અચાનક બમ્પ આવી જતાં તેમના જમાઇએ બાઇક કુદાવતાં પાછળ બેસેલાં તેમના સાસુ ઉછળીને રોડ પર પટકાયાં હતાં. જેના કારણે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે માતર સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે સસરાએ જમાઇ વિરૂદ્ધ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
